રાષ્ટ્રીય બાલિકા દિવસ-2024: ગુજરાત વિધાનસભા ખાતે મોક ‘તેજસ્વિની વિધાનસભા’ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા શક્તિને ન્યૂ એઇજ પાવર તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો આપ્યા છે: ઈખ ભૂપેન્દ્ર પટેલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથેસાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર આજે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ગઈકાલે વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. સમગ્ર દેશમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરવામાં આવ્યું હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે. લોકશાહીના મૂલ્યોને વધુ મક્કમ બનાવતું ગુજરાત વિધાનસભાનું આ અનેરું સોપાન છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સૌને અભિનંદન પાઠવતા કહ્યું કે આજે ગુજરાતની આ દીકરીઓએ જે આત્મવિશ્ર્વાસ સાથે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું છે, તે જોઈને ચોક્કસ પણે કહી શકાય કે ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. રાજ્યનું દ્રષ્ય બદલાયું છે, ગુજરાતના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ જો આવી તેજસ્વી દીકરીઓના હાથમાં જશે તો ગુજરાતના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી.
વડાપ્રધાને પણ મહિલાઓ માટે લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાના નિર્ણય થકી નવી ક્રાંતિની શરૂઆત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ સશક્ત ગુજરાત થકી સશક્ત ભારતના નિર્માણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાશક્તિને ન્યૂ એઇજ પાવર તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તાજેતરમાં નારીશક્તિ વંદન અધિનિયમ સંસદમાં પસાર કરાવીને વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને 33 ટકા આરક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. પોલિટીકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને ચિંધ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે વિધાનસભા ગૃહમાં ‘તેજસ્વિની વિધાનસભા’ અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ ‘તેજસ્વિની પંચાયત’ના કાર્યક્રમ દ્વારા રાજ્ય વ્યાપી ઉજવણીની નવી પહેલ ગુજરાતે કરી છે. આ ’તેજસ્વિની વિધાનસભા’ પોલિટિકલ ડેમોક્રસીથી સોશિયલ ડેમોક્રસીનો સંદેશો આપશે. સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ આગળ લઈ જવા તેમણે બાલિકાઓને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ મોક વિધાનસભા ‘તેજસ્વિની એસેમ્બલી’ને ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક પ્રસંગ ગણાવતા કહ્યું કે, આજની તેજસ્વિની વિધાનસભામાં બાલિકાઓ દ્વારા કરવામાં આવેલા ગૃહના સંચાલન ઉપરથી વિશ્ર્વાસપૂર્વક કહી શકું છું કે ગુજરાતની બહેનો ઘર જ નહિં, ગામ, શહેર, નગર પંચાયત કે જિલ્લાની શાસનધૂરા પણ સંભાળે છે એવી રીતે ભવિષ્યમાં પણ જનપ્રતિનિધિત્વ કરી રાજ્ય અને દેશનું જનપ્રતિનિધિત્વ કરશે.
- Advertisement -
તેજસ્વિની વિધાનસભા જેવા કાર્યક્રમોથી રાજ્યની દીકરીઓમાં નેતૃત્વ ગુણ વધશે: ભાનુબેન બાબરીયા
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યની દીકરીઓ માટે એક યાદગાર અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા સૂચવ્યું હતું. જેના પરિણામે સમગ્ર રાજ્યની દીકરીઓને જોડીને આજે ‘તેજસ્વિની વિધાનસભા’નું સફળ આયોજન થયું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ વિભાગે 13 જેટલી બાલિકા પંચાયત, અમદાવાદ સમરસ હોસ્ટેલ સહિત વિવિધ જિલ્લામાંથી દીકરીઓની પસંદગી કરી હતી. આજે ગુજરાતની આ દીકરીઓ મહિલા સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતું પ્રદર્શન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ મહિલા, યુવા, ગરીબ અને ખેડૂતોને આત્મનિર્ભર અને સશક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત આજે મહિલા સશક્તિકરણની એ દિશામાં આગળ વધી રહ્યું છે. તેજસ્વિની વિધાનસભા જેવા કાર્યક્રમોથી રાજ્યની દીકરીઓમાં નેતૃત્વના ગુણ વધશે અને આત્મનિર્ભર બનશે. ભવિષ્યમાં વિધાનસભા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં મહિલાઓનું નેતૃત્વ વધશે તેવો તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.