8 ઇંચ વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ; શાળાઓ બંધ, 100 થી વધુ લોકોને સ્થળાંતર. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી. IMD દ્વારા આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની ચેતવણી.
સોમવારે સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલાસણામાં 8.2 ઇંચ, ઓલપાડમાં 5.0 ઇંચ, રાસીમાં 4.3 ઇંચ, અને માંગરોળમાં 3.1 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો પાલિકાએ મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા હતા તે ઉતરી ગયાનો દાવો કર્યો હતો. પરંતુ પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે.
- Advertisement -
આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોક વેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે. પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.
આવી જ રીતે મોટા વરાછા, સિમાડા અને પૂણાગામ વિસ્તારમાં પણ આજે સવારે પાણીનો ભરાવો જેવા મળ્યો હતો. પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને આજે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત બે દિવસથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમ છતાં પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ સમસ્યાનો કાયમી હલ આવે તે માટે પાલિકા તંત્ર પાસે લોકો માંગણી કરી રહ્યા છે.