ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનનો અંદાજ મેળવવા સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે. આ નેતાઓ અલગ-અલગ જિલ્લાઓમાં નિરીક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરશે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલ એક્શન મોડમાં આવી ગયા છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનનો અંદાજ મેળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ નેતાઓ સરકારની જાહેરતા કેટલી મદદરૂપ છે તે ચકાસશે. આ ઉપરાંત આ તમામ નેતાએ સરકારની જાહેરાત મુજબ સહાય મળી છે કે નહીં તે ચકાસશે.
- Advertisement -
બિપોરજોય વાવાઝોડાએ વેર્યો હતો વિનાશ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલીનું બિપોરજોય નામનું વાવાઝોડું 15મી જૂને રાત્રે કચ્છના જખૌ પોર્ટ પર ત્રાટક્યું હતું. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે તારાજી સર્જાઈ હતી. કેટલાક મકાનોના પતરા ઉડી ગયા હતા, દિવાલો ધરાશાયી થઈ હતી. વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ઘણી જગ્યાએ વિનાશ વેર્યો હતો. વાવાઝોડા બાદ ખાબકેલા વરસાદથી બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી નુકસાનીના સમાચાર આવ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
શક્તિસિંહ ગોહિલે બનાવ્યો એક્શન પ્લાન
ત્યારે હવે વાવાઝોડાથી થયેલ નુકસાનનો અંદાજ મેળવવા ગુજરાત કોંગ્રેસ એક્ટિવ થઈ ગયું છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહે એક્શન પ્લાન બનાવ્યો છે. તેમણે જે જિલ્લાઓમાં નુકસાન થયું છે. તે જિલ્લાઓમાં નુકસાનનો અંદાજ મેળવવાની જવાબદારી પાર્ટીના સિનિયર નેતાઓને સોંપી છે. તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવા સૂચનાની પણ કરવામાં આવી છે. તેમણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જવાબદારી ત્રણ નેતાઓને સોંપી છે. આ જિલ્લાની જવાબદારી જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીને સોંપી છે.
આ નેતાઓને સોંપવામાં આવી છે જવાબદારી
જ્યારે કચ્છની જવાબદારી લલિત કગથરા, જાવેદ પીરઝાદા અને નૌશાદ સોલંકીને સોંપાઈ છે. જામનગર અને દ્વારકાની જવાબદારી અમરીશ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને લલિત વસોયાને સોંપવામાં આવી છે. પોરબંદર જિલ્લાની જવાબદારી પરેશ ધાનાણી, ભીખુભાઈ વરોતરિયા અને પાલ આંબલીયાને સોંપી છે.
- Advertisement -
કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર
આ તમામ કોંગ્રેસના નેતાઓ સરકારની જાહેરાત કેટલી મદદરૂપ છે, જાહેરાત મુજબ સહાય મળી કે નહીં તે ચકાસશે. આ ઉપરાંત તેઓ ગામમાં વીજળી પહોંચી કે નથી પહોંચી તે ચકાસશે. પરિસ્થિતિ જાણીને તે અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.