ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના પ્રમાણિત મ્યુનિસિપલ ગ્રીન બોન્ડની યાદીને ચિહ્નિત કરવા માટે મુંબઈ સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે ઘંટ વગાડ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા રૂ 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું 8 ગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે કે રોકાણકારોએ ગ્રીન બોન્ડમાં રોકાણમાં અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના દીર્ઘદ્રષ્ટિયુક્ત આયોજન સુરતનો વિકાસ વધુ તેજ બનશે
વર્ષ 2070 સુધીમાં વડાપ્રધાનના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં રાજ્ય સરકારે ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી પર વિશેષ ભાર મૂક્યો હોવાનું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઈકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે. ભારતના G20 અધ્યક્ષપદ હેઠળ ‘વન અર્થ, વન, ફેમિલી, વન ફ્યુચર’ ના સંદેશ સાથે સભ્ય દેશોએ પણ વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપ્યું છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે ‘વિકસિત ગુજરાત @2047’ના રોડમેપ સહિત અનેકવિધ વિકાસલક્ષી આયામો શરૂ કર્યા છે. વડાપ્રધાન હંમેશા જનભાગીદારીના અગ્રાહી રહ્યા છે. ‘સરકારી પદ્ધતિને અસરકારી બનાવવી’ એવા ધ્યેય સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના જનહિતલક્ષી પ્રયાસો રહ્યા છે.
સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ બન્યા છે એમ જણાવી મુખ્યમંત્રીએ સુરત મનપાના તંત્રવાહકોને અભિનંદન પાઠવ્યા હતા. આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં સૌપ્રથમ વાર ઈન્ટરનેશનલ ગ્રીન સર્ટીફીકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પબ્લિક ઈસ્યુથી બહાર પાડવામાં આવ્યા છે, ત્યારે સુરત મનપાના ‘મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઈસ્યુ’માં વૈશ્વિક રોકાણકારો થકી આંતરરાષ્ટ્રીય રૂચિ વધી છે. મનપાએ વિકાસના ઉત્તમ આયોજન સાથે જનભાગીદારીને જોડી છે.
ગ્રીન પીપલ્સ ફાયનાન્સિંગ એ ગ્રીન ગ્રોથનું ઉત્તમ ઉદાહરણ બનશે એમ જણાવતા આ પહેલ શહેર માટે ન માત્ર નાણાકીય રીતે ફાયદાકારક સાબિત થશે, પરંતુ પર્યાવરણીય સ્તર પર પણ સકારાત્મક અસર કરશે. સુરત મહાનગરપાલિકાની આ આ યોજના હવે અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયી બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આ અવસરે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના 2047ન વિકાસ વિઝનને સાકાર કરવા સસ્ટેનેબલ એનર્જી પ્રેરક ઉદાહરણ બનશે. સુરતએ મીની ભારત છે, સૌએ સુરતના વિકાસના સાથ સહકાર આપ્યો છે. સુરત શહેરને અત્યાર સુધીમાં ૧૪ જેટલા વિવિધ એવોર્ડ મળ્યા છે.સુરતને ગ્રીન એનર્જી સાથે વિશ્વનું બેસ્ટ સિટી બનાવાશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા. 200 કરોડના લીસ્ટેડ, ટેક્ષેબલ, રીડીમેબલ, સીકયોર્ડ નોન કન્વર્ટીબલ મ્યુનિસિપલ બોડ ડીબેન્ચર સ્વરૂપે ઇસ્યુ બહાર પાડવામાં આવ્યા હતા. આ ગ્રીન બોન્ડ 06-10-2025ના રોજ ખુલ્યા હતા. અને 09-10-2025ના રોજ બંધ થાય હતા. આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડ 200 કરોડની ડીમાન્ડ સામે 800 કરોડ રૂપિયાનું ભરણું થયું છે. જેથી ડ્રો સીસ્ટમથી બોન્ડની ફાળવણી થશે. રીટેલ સેકટરમાં મહાપાલિકા દ્વારા કુલ બોન્ડના 15 ટકા લેખે 30 કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી.
સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સૌને આવકારતાં જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સર્ટિફાઇડ ગ્રીન બોન્ડ સુરત મહાનગરપલિકા લાવ્યું છે. ગ્રીન બોન્ડના માધ્યમથી એકત્ર થનારી રકમ પર્યાવરણનું જતન કરવા સાથે ગ્રીન એનર્જીને લગતા પ્રોજેકટના રિસોર્સ માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સોલાર પાવર પ્રોજેકટસ, જળસંચયને લગતા પ્રકલ્પો અને ગ્રીન પરિવહનની દિશામાં સાકાર થનારા પ્રોજકટમાં ગ્રીન બોન્ડ મહત્વના બની રહેશે.