પાટીલને UPના સહપ્રભારી બનાવી વારાણસી બેઠકની જવાબદારી મળી શકે
ક્ષત્રિય અને ઓબીસીને બદલે પાટીદાર નેતા પ્રદેશ પ્રમુખ બને તો નવાઈ નહીં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સહિત ભારતમાં જુલાઈ મહિનો રાજકીય રીતે ગરમ રહે એવા એંધાણ છે. એક તરફ મહારાષ્ટ્રમાં એવું રાજકીય વાવાઝોડું આવ્યું કે વિપક્ષોને ટાઢ ચડી ગઈ છે, તો બીજી તરફ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની પૂરી સંભાવના છે. ગુજરાતમાં રાજકીય માહોલ અલગ અલગ ત્રણ રીતે ગરમ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં તારીખ 24 જુલાઈ, 2023ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્રણ સીટ માટે યોજાનારી આ ચૂંટણી ભાજપને ફાળે જ જશે. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી, તેવા સંજોગોમાં આ તમામ બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ શકે છે. ત્રણ બેઠકો પૈકી એક બેઠક પર એસ જયશંકરને ભાજપ રીપીટ કરશે. જ્યારે બાકીની બે બેઠક માટે ઓબીસી તથા ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી સંભાવના છે. જો કે, અંતિમ ઘડીએ ભાજપ સરપ્રાઈઝ આપે તો નવાઈ નહીં, પરંતુ મળતી માહિતી મુજબ ભાજપ રાજ્યસભામાં ગુજરાતના એક સિનિયર નેતાને લઈ જવા માગે છે.
બે રાજ્ય કેન્દ્રીય મંત્રી પડતા મૂકે તેવી સંભાવના
લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્ર સરકારમાં ફરી એક વખત વિસ્તરણ થવાની શક્યતા છે. આ માટે કેન્દ્રીય સંગઠન તેમજ ભાજપના સંસદીય દળની બે વખત બેઠક પણ યોજાઈ ચૂકી છે. આગામી સમયમાં થનારા કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતના બે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ પડતા મૂકે એવી સંભાવના છે. ભાજપના નેતાઓ જણાવે છે કે, દર્શના જરદોશ અને દેવુસિંહ ચૌહાણને પડતાં મૂકી ગુજરાતના જ એક સાંસદને મંત્રી બનાવાય તેવી ધારણા સેવવામાં આવી રહી છે.
ભાજપના સભ્યોને રાજ્ય- દેશ નહીં છોડવા સૂચના
ગુજરાત ભાજપના 156 ધારાસભ્યો પૈકી નામ નહીં આપવાની શરતે બે ધારાસભ્યોએ જણાવ્યું છે કે, આગામી 26 જુલાઈ 2023 સુધી રાજ્ય કે દેશ છોડીને બહાર ન જવું તે પ્રકારની તમામ સભ્યોને સૂચના આપવામાં આવી છે. જો કે, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા આ બાબતે કહે છે કે, આ સૂચના સંગઠન તરફથી આપવામાં આવી હોઈ શકે છે. તેમના તરફથી એક પણ ધારાસભ્યને કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી.
- Advertisement -
પાટીલને લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપાઈ શકે
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ટર્મમાં વધારો ન કરીને ભાજપ તેમને કેન્દ્રીય સ્તરે જવાબદારી સોંપી શકે છે. આ જવાબદારીમાં આગામી લોકસભા ચૂંટણી અગાઉ સંગઠનને મજબૂત કરવા તેમજ યુપીના સહપ્રભારી બનાવી અને વારાણસી સીટ માટે ખાસ જવાબદારી સોંપી શકે તેવી શક્યતા છે.