રાજકોટના પાંચ સહીત રાજયના કુલ 99 ઉમેદવાર મેદાનમાં
9 માર્ચે મતગણતરી અને 14મી માર્ચ સુધીમાં પરિણામ જાહેર થશે
- Advertisement -
રાજકોટના નવી કોર્ટ પરિસરમાં મતદાન શરૂ, 6 વાગ્યા સુધી ચાલશે
5 વકીલ ચૂંટણી જંગમાં : રાજકોટના 4400 વકીલ મતદાન કરશે
રાજયભરના 150 મતદાન મથક પરથી 70 હજારથી વધુ વકીલ મતદારો મતદાન કરશે
- Advertisement -
મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે મોકલાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરના વકીલોની માતૃ સંસ્થા ગુજરાત બાર કાઉન્સિલની આજે તા.6ને શુક્રવારના રોજ સીસીટીવી કેમેરા સહિતના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પ્રતિષ્ઠાભરી અને રસાકસી પૂર્ણ ચૂંટણી યોજાઇ રહી છે.
1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ 1961માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. કાયદાના સ્નાતકની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નિયમો અનુસાર એડવોકેટ તરીકે રજિસ્ટ્રેશન બાદ સનદ મેળવવા હક્કદાર બને છે. આ બાર કાઉન્સિલના કુલ 25 સભ્ય પૈકી 23 સભ્યોની ચૂંટણી યોજાઇ છે. જેમાં પાંચ બેઠક મહિલા વકીલોના ફાળે છે. તેમજ બે સભ્યો બાદમાં કો-ઓપ્ટ નિમાશે. આ વખતની ચૂંટણીમાં 79 પુરૂષ અને 20 મહિલા એમ 99 ઉમેદવારો મેદાનમાં છે.
ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વકીલ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. બાર કાઉન્સિલની ચૂંટણીની વકીલ સમાજમાં પ્રતિનિધિત્વ અને સમાનતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પ્રથમવાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઈપાવર ઇલેકશન કમિટીની દેખરેખ હેઠળ યોજાઈ રહી છે. જેમાં રાજયભરના 70 હજારથી વધુ વકીલ મતદારો મતદાન કરશે. રાજકોટ સહિત રાજયભરમાં મળી કુલ 150થી વધુ મતદાન મથકો પર તા. 6ને શુક્રવારે સવારે 10:00 થી સાંજે છ કલાક સુધી મતદાન થશે. પોલીંગ બુથ પર 450 પોલીંગ ઓફ્સિરો ફરજમાં તૈનાત છે. બોગસ વોટિંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ વખતે સૌ પ્રથમવાર લાઈવ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરાની નીગરાની હેઠળ રાજયભરમાં મતદાન થઇ રહ્યુ છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે મોકલાશે, જયાં તા.9મી માર્ચથી મતગણતરી શરૂ થશે અને તા. 14મી માર્ચ સુધીમાં ઈ લેકશનના પરિણામો જાહેર થઈ જવાની સંભાવના છે. આ વખતની ચૂંટણીમાં સમરસ પેનલના અમૃતાબેન ભારદ્વાજ, સી.એચ. પટેલ ઉપરાંત પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, ભૂમિકા પટેલ અને જીતેન્દ્ર પારેખ એમ પાંચ ઉમેદવારોનો સમાવેશ થાય છે.



