દિલ્હીમાં પકડાયેલ આતંકી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા ગુજરાતમાં બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો, આતંકી શાહનવાઝે ગુજરાતના અનેક શહેરોની રેકી કરી હોવાનો પણ થયો ખુલાસો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાં આતંકવાદી નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે અને ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા, અરશદ અને રિઝવાનની ધરપકડ કરી છે. શાહનવાઝ મૂળ દિલ્હીનો રહેવાસી છે અને વ્યવસાયે તે એન્જિનિયર હતો તેના પર NIAએ ત્રણ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. 24 સપ્ટેમ્બર, 2002ના દિવસે દિલ્હીના અક્ષર ધામ પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનાર પરતુલ્લા ગૌરીના સંપર્કમાં શાહનવાઝ હતો અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. શાહનવાઝે અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરની રેકી પણ કરી હતી અને કોઈ મોટી ઘટનાને અંજમ આપવાની તૈયારી કરી રહ્યો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે શાહનવાઝ પાકિસ્તાનમાં બેઠેલા પરતુલ્લાહ ગૌરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતો. ત્યારે શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ બાદ હવે ગુજરાત ATS અને અમદાવાદ NIAની ટીમ દિલ્હી પહોંચી છે. જ્યાં આતંકી શાહનવાઝની તપાસ અને પૂછપરછ કરવામાં આવશે.
- Advertisement -
IED બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો શાહનવાઝ
દિલ્હી પોલીસે કરેલા ચોંકાવનારા ખુલાસા બાદ ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. 24 સપ્ટેમ્બર 2002ના રોજ ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં આંતકી હુમલો થયો હતો, જેમાં પાકિસ્તાનમાં રહેતો પરતુલ્લાહ ગૌરી માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું હતું. પરતુલ્લાહ ગૌરી અને તેનો જમાઈ શાહિદ ફૈઝલ પાકિસ્તાનમાં આઈએસઆઈએસની સુરક્ષામાં છે. શાહનવાઝ તેઓના ઈશારે કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. શાહનવાઝે અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ પર રેકી કરી હતી. આ સિવાય વડોદરા, સુરત અને ગાંધીનગરમાં પણ રેકી કરીને આઈઈડી બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. શાહનવાઝનું ગુજરાત અને અમદાવાદ કનેક્શન સામે આવતાની સાથે જ ગુજરાત એટીએસની ટીમ તપાસમાં જોડાઈ છે.
દિલ્હી પોલીસે કરી છે શાહનવાઝની ધરપકડ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે ISIS પુણે મોડ્યુલના સાત લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણ આતંકીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગીને દિલ્હીમાં છુપાઈ ગયા હતા, જેમાંથી એક શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાં હતો. દિલ્હી પોલીસે NIAના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝની ધરપકડ કરી છે, તેની સાથે વધુ બે આતંકીઓ રિઝવાન અને અરશદની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની જણાવ્યા અનુસાર શાહનવાઝ ISIS મોડ્યુલ એટલે કે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે. તે ઉત્તર ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો.
આઈઈડી બનાવવામાં વપરાતી સામગ્રી મળી આવી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે રાતે દક્ષિણ-પૂર્વ દિલ્હીથી શાહનવાઝની ધરપકડ કરી હતી, તેની પાસેથી રસાયણિક પદાર્થો અને આઈઈડી બનાવવામાં વપરાતી સામગ્રી મળી આવી હતી. હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલામાં તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે, જેમાં આ ઘટનામાં આતંકી હોવાની શંકા ધરાવતા શાહનવાઝે અમદાવાદની વાસંતી પટેલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હોવાની ચર્ચા ઉઠી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાસંતી પટેલ સાથે લગ્ન કર્યા બાદ તેનું ધર્મ પરિવર્તન કરી નામ પણ બદલી નાખવામાં આવ્યું હતું. અમદાવાદની યુવતી સાથે લગ્ન કર્યા હોવાની વાતની હજુ સુધી પુષ્ટી થઈ રહી નથી, પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.