કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓની 89 બેઠકો પર મતદાન પૂર્ણ
આજે 788 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું, હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે
- Advertisement -
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5.00 વાગ્યા સુધીમાં 57.60 ટકાની આસપાસ મતદાન થયું છે. તો ગત 2017ની ચૂંટણીમાં 68 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં સૌથી વધુ તાપીમાં 72.32 ટકા મતદાન નોંધાયું છે,
જ્યારે સૌથી ઓછું ભાવનગમાં 51.34 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બન્યા હતા. આ બેઠકો પર 788 (718 પુરૂષ, 70 મહિલા) ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે અને બંને તબક્કાનું 8મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 42 ટકા જ મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 56 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 14 ટકા ઓછુ મતદાન થયું છે. આમ પાટીદાર વિસ્તારો સૂસ્ત રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ 50.57 ટકા મતદાન થયું છે. મતદારોએ મતદાનમાં રસ ન દાખવતા ઉમેદવારો દોડતા થયા છે. ઉમેદવારોએ મતદાન કરવા રેકોર્ડેડ ફોન કોલનો મારો ચલાવ્યો છે. એક વ્યક્તિને ત્રણ ત્રણ કોલ કરી રહ્યા છે.
- Advertisement -
વાંસદા સીટના વાટી ગામમાં એકપણ મત ન પડ્યો
નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર વાટી ગામના લોકો અંબિકા નદી પર પૂલ ન બનતા મતદાનથી અળગા રહ્યા હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં એકપણ મત પડ્યો નહોતો.
જામજોધપુર સીટના ધ્રાફા ગામમાં એકપણ મત ન પડ્યો
જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઉભું કરવામાં આવતું હતું. પરંતુ, આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતા નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધીમાં ગામમાં એકપણ મત પડ્યો નથી. લાલપુરના પ્રાંત અધિકારી એન.ડી.ગોવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા મદદનીશ ચૂંટણી અધિકારી ગામમાં પહોંચ્યા હતા અને ગામ લોકો મતદાન કરે તે માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ઝઘડિયા સીટના કેસર ગામમાં એકપણ મત ન પડ્યો
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભાના વાલિયા તાલુકાના કેસર ગામના ગ્રામજનોએ મતદાન જ કર્યું નથી. સવારથી એક પણ મતદારે મતદાન કર્યું નહોતું. મતદારોએ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો છે. તંત્રએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ગ્રામજનો માન્ય નહોતા.
હાર્દિક પટેલ અંગે બોલ્યા દિલીપ સંઘાણી-વિચારધારામાં સેટ ન થાય તો પાર્ટી સસ્પેન્ડ પણ કરે
મતદાન કર્યા બાદ પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલ અંગે જણાવ્યું કે, એક વખત વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. અમારું કામ ઘડતર કરવાનું છે. ભાજપની વિચારધારામાં સેટ ન થાય તો ટકી શકે નહીં. સસ્પેન્ડ પણ કરે છે અને કાઢી પણ મૂકે છે. રાષ્ટ્રીય વિચારધારા સાથે કોઈ ભૂલ સુધારવા આવે તો અમારું સુધારવાનું તો કામ છે. રાષ્ટ્રને આવા સુધરેલા નાગરિકો આપવા છે. ભાજપની વિચારધારા સ્વીકારીને તેમને ભાજપે સભ્ય બનાવ્યા છે નહીં કે પાસના આંદોલન વિચારધારા સાથે. હાર્દિક પટેલનું ભવિષ્ય એના વ્યવહાર પર આધાર રાખે છે.
4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 54% મતદાન
તાપી – 68%
ડાંગ – 64%
નર્મદા – 68%
જામનગરમાં – 51%
દ્વારકામાં – 52%
કચ્છમાં – 46%
ગીર સોમનાથ – 57%
જૂનાગઢ – 52%
પોરબંદર – 49%
ભાવનગરમાં – 51%
બોટાદમાં -50%
અમરેલીમાં – 50%
સુરેન્દ્રનગરમાં – 54%
રાજકોટમાં – 52%
મોરબીમાં – 58%
ભરૂચમાં – 57%
સુરતમાં – 53%
નવસારીમાં – 60%
વલસાડમાં – 59%