ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મારી વાત તમારી ડાયરીમાં લખી લેજો, 2022માં તમામ રેકોર્ડને તોડીને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેનો આવતીકાલે એટલે કે 17મી નવેમ્બરે અંતિમ દિવસ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા. ફોર્મ ભરતા પહેલા ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયામાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
- Advertisement -
ગૃહમંત્રી અમિત શાહે ભૂપેન્દ્ર પટેલને ગણાવ્યા ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી
41 – ઘાટલોડિયા વિધાનસભા ખાતે યોજવામાં આવેલી સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી પછી પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી હશે. 1990થી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે. એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય દેખાડ્યો નથી. મારી વાત તમારી ડાયરીમાં લખી લેજો, 2022માં તમામ રેકોર્ડને તોડીને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે.
Live: માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં કેસરિયા મહારેલી, ભાજપા મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન અને ૪૧-ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભાજપા ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાનો કાર્યક્રમ. https://t.co/Q0R0ckwugF
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2022
- Advertisement -
ગુજરાતમાં કાંકરીચાળો કરવાની કોઈની હિંમત નથીઃ શાહ
અમિત શાહે જણાવ્યું કે, આ એજ ગુજરાત છે જે 10 વર્ષ સુધી કોમી હુલ્લડોથી પીડાતું હતું. 365 દિવસમાં 250 દિવસથી વધુ કર્ફ્યૂ હતો. આજે 20 વર્ષના છોકરાને પૂછીએ તો એના જીવનમાં તેણે કર્ફ્યૂ જોયો નથી. ગુજરાતમાં કાંકરીચાળો કરવાની કોઈની હિંમત નથી. બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો ઉભા કરી દેવાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલે ગેરકાયદે દબાણો દૂર કરવાનું કામ કર્યું છે. બેટ દ્વારકાનું ક્લીનપ કામ ભાજપ સરકારે કર્યું છે.
ભાજપે ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ કર્યુઃ અમિત શાહ
તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી. ભાજપ સરકારે ગુજરાતમાં જળ સંચય અભિયાન શરૂ કર્યું અને નર્મદાનું પાણી 13000 તળાવોમાં ઠાલવ્યું અને તળ ઉપર લાવ્યા. ભાજપે ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ કર્યુ. આ ઉપરાંત PM નરેન્દ્રભાઈ મોદીએ ત્રિપલ તલાકની પ્રથા દૂર કરાવી અને મુસ્લિમ મહિલાઓને સુરક્ષા અપાવી છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિનંતી કરતા કહ્યું હતું કે, હું બે હાથ જોડી વિનંતી કરું છું કે કમળના બટનને દબાવજો. અહીંયાથી ધારાસભ્ય અને મુખ્યમંત્રી બંને મળે. રેકોર્ડ તોડ મતદાન કરી તમે ભૂપેન્દ્ર પટેલને જીતાડશો એવી આશા છે.
પ્રભાત ચોકથી ગોતા સુધીનો મેગા રોડ શો
આપને જણાવી દઈએ કે, ઘાટલોડિયામાં સભા બાદ ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જવા રવાના થયા હતા. તેઓને પ્રભાત ચોકથી ગોતા સુધીનો મેગા રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા.