AAPનાં પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ છેલ્લાં 4 વર્ષમાં હિન્દુઓને, હિન્દુ માન્યતાઓને, બ્રાહ્મણોને, કથાકારોને ફેસબૂક પર ભરપૂર ગાળો ભાંડી છે: તેમના પર થતાં હુમલાઓ આ બધી ગાળોનો પ્રત્યુત્તર કહી શકાય…
વિશેષ અહેવાલ
– મહેશ પુરોહિત
– મહેશ પુરોહિત
આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયા બટકબોલા છે અને તેમની જીભ વારંવાર લપસી જાય છે. હાલમાં ઠેર-ઠેરથી ‘આપ’નો વિરોધ ઈટાલિયાના બેફામ નિવેદનો અને હિન્દુ ધર્મ વિરોધી વલણ તથા લખાણોને લીધે જ થઈ રહ્યો છે. ઈટાલિયા જો પદ પર ચાલુ રહે તો ‘આપ’ને દુશ્મનોની જરૂર નહીં પડે…
- Advertisement -
સત્યનારાયણની કથા અને ભાગવત સપ્તાહ એ ફાલતુ પ્રવૃત્તિ છે
સંતો અને કથાકારો એ બાવા-બાવી છે
કથા-ભજનમાં તાળી પાડનારાઓ હિજડા છે
મંદિર એ આસ્થાનું નહીં ધંધો કરવાનું સ્થળ છે
બ્રાહ્મણો લૂંટારા અને નૌટંકીવાળા છે
શ્રદ્ધાળુને સવાલ છે કે કોઈ જાણીતી સ્ત્રી/છોકરી જો શ્રાવણ મહિના દરમિયાન કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન પોતાની મરજીથી તમને એકાંતમાં મળવા બોલાવે તો તમે નવરાત્રિ કે શ્રાવણ મહિનો પૂરો થાય એની રાહ જુવો કે નહીં?’
ભારત એક લોકતાંત્રિક દેશ છે. આપણાં દેશમાં અસંખ્ય રાજનૈતિક પાર્ટીઓ નોંધાયેલી છે, દરેક પાર્ટીઓ ચોક્કસ હેતુસર પોતાની એક આગવી વિચારધારા અનુસાર કામ કરતી હોય છે ને ચૂંટણી લડતી હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીની જો કોઈ વિચારધારા હોય તો તે છે અરાજકતા. પાર્ટીની સ્થાપના જ અરાજકતાપૂર્ણ થઈ હતી. કેજરીવાલ દ્વારા અસંખ્ય નેતાઓ પર આરોપ લગાડવામાં આવ્યા, સંપૂર્ણ અરાજકતાપૂર્ણ માહોલ બનાવીને પોતાની રાજનીતિ કરી તેના બદલે કોઈ આરોપ સાબીત કરવાના બદલે બધાની કોર્ટમાં માફી માંગી.
આવી જ અરાજકતાનો વારસો ગુજરાતમાં એટલે આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયા. ગુજરાતને ગોપાલ ઇટાલિયાની અરાજકતા ત્યારે જોઈ જ્યારે તેણે ગૃહમંત્રી પ્રદીપસિંહ પર ચપ્પલ ફેંકયું હતું. જોકે તે ચપ્પલ ફેંકવાનું કોઈ ચોક્કસ કારણ ન હતું. જ્યારે જ્યારે પણ આ બાબતે તેને સવાલ કરાયો ત્યારે સાવ ઉડાઉ જવાબ આપ્યો છે, જેમ કે ‘મેં ચપ્પલ જ માર્યું છે, કોઈ બેન્ક નથી લૂંટી!’ મતલબ આ તો તમે કોઈને લાફો મારો તો તેની માફી માંગવાના બદલે એમ કહો કે આ તો લાફો જ માર્યો ખૂન ક્યાં કર્યું છે? આજ છટકદાવ તેઓ રમતા આવ્યા છે. આ તેનો પહેલો અરાજક પ્રયાસ હતો પરંતુ છેલ્લો નહીં. સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાના કારણે તેમણે ધર્મ વિરોધી ઘણી ઊલટીઓ કરી છે.
- Advertisement -
આપણે એક એક પોસ્ટ જોતાં જઈએ. 03-11-2018 ના રોજ તેની ફેસબૂક પોસ્ટ છે કે, ‘આપણે ત્યાં પિરિયડના દિવસોમાં મહિલાઓને મંદિરમાં જવાની અને ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેવાની મનાઈ છે. પણ પિરિયડના દિવસોમાં જ કોઈ મહિલાએ મંદિરમાં લાખો રૂપિયાનું દાન આપવું હોય તો આપી શકે કે મનાઈ છે? ધર્મના ઠેકેદારોને ઓળખો, અંધશ્રદ્ધા મુક્ત બનો શિક્ષિત બનો જાગૃત બનો.’ આવી સાવ કાલ્પનિક બે વાતો જોડી હંમેશા ધર્મ વિરોધો પોસ્ટ કરતાં રહ્યા છે.
તેણે હિન્દુ ધર્મના તહેવારોને પણ ટાર્ગેટ કરવામાં કોઈ કસર છોડી નથી. માની લઈએ કે કોઈ નાસ્તિક હોય ધર્મમાં કે વિધિમાં ન માને પરંતુ તેના વિરોધમાં વિકૃતિ થોડી હોય? એક બીજી પોસ્ટ જોઈએ 11-10-2018ના દિવસે પોસ્ટ કરે છે કે, ‘અમુક શ્રદ્ધાળુ વ્યક્તિઓ શ્રાવણ મહિના દરમિયાન તેમજ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ઈંડા, માંસાહાર તેમજ દારૂ પીવાનું બંધ કરી દેતાં હોય છે. આવા શ્રદ્ધાળુને સવાલ છે કે કોઈ જાણીતી સ્ત્રી/છોકરી જો શ્રાવણ મહિના દરમિયાન કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન પોતાની મરજીથી તમને એકાંતમાં મળવા બોલાવે તો તમે નવરાત્રિ કે શ્રાવણ મહિનો પૂરો થાય એની રાહ જુવો કે નહીં?’ આ મહાશય ધર્મનો વિકૃત વિરોધ કરતાં કરતાં સ્ત્રીના ચારિત્ર્ય પર પણ સવાલ કરે છે. શ્રાવણ માસ હિન્દુઓ માટે એક પવિત્ર તહેવાર છે બધા હિન્દુઓ પોતપોતાની માન્યતા પ્રમાણે શ્રાવણ મહિનામાં અમુક વિધિઓનું પાલન કરતાં હોય છે. તેને કોણે અધિકાર આપ્યો કે આવા વિકૃત અને સ્ત્રીના ચારિત્ર્ય પર સવાલ કરવાનો?
ગોપાલ ઈટાલિયાની હિન્દુ ધર્મ વિરોધીની સાથે સાથે સ્ત્રી વિરોધી માનસિકતા પણ આવી અનેક પોસ્ટ થકી છતી થાય છે. આવી તો અસંખ્ય પોસ્ટો કરાઇ હતી આ બે પોસ્ટ તો માત્ર ઉદાહરણ છે. આના સિવાય કથાકારો સાથે તેનું વર્તન તો જગજાહેર છે. કથાકારો માટે તો અસંખ્ય પોસ્ટો થઈ છે તે પણ સાવ ઊતરતી કક્ષામાં જેમ કે 23-08-2019ના રોજ પોસ્ટ કરે છે કે, ‘અમે તો કહીયે છીએ કે કથાકારો પૈસા લૂંટે છે.’ કથા આપણાં ધર્મનો હિસ્સો છે, જેને આસ્થા હોય તે કરાવે છે, જેને ના હોય તે ના કરાવે. અને વિરોધ કરવો હોય તો પણ કરો પરંતુ એક શિષ્ટ ભાષામાં. તેના બદલે સાવ જ ઊતરતી કક્ષામાં જઈને વિરોધ કરવો એ ગોપાલ ઈટાલિયાની ગંદી શૈલી છે. કથાકારોને નીચા દેખાડવા ઈટાલિયા તેમની પાસે સાવ જ અવાસ્તવિક માંગણી મૂકે છે. ઉદાહરણ તરીકે: ‘વરસાદ માટે હવન કરો છો તો પૂર આવ્યું છે તો એવો હવન કરો કે પાણી પાછું જતું રહે!’ કોઈ સમજાવશે કે આ માંગણીનો શું મતલબ છે? ઈટાલિયાની સ્ટાઈલ છે કે, કથાકારો સાથે ફોન પર વાત કરવાની, વિકૃત વિરોધ કરવાનો, ને પછી તે ઓડિયો વાઇરલ કરી દેવાનો! ઈટાલિયા પોતે જ કાયદાકથા કરતાં હતા તો તેમને ખ્યાલ હોવો જોઈએ કે મંજૂરી વગર કોઈનું કોલ રેકોર્ડિંગ ગેરકાનૂની છે. આટઆટલો કથાકારોનો વિરોધ હતો તો પણ બે દિવસ પહેલા જ કથાકારને પોતાની પાર્ટીમાં તેમણે સ્થાન આપ્યું છે, અને માતાજીના એક ભૂવાને પણ પક્ષમાં લીધો છે. (કેજરીવાલ પેટન્ટ) 20-09-2019ની એક પોસ્ટમાં ઈટાલિયા પિતૃતર્પણ પર કટાક્ષ કરે છે અને કહે છે કે, ‘પિતૃતર્પણની વિધિ ફક્ત ધંધો છે!’ અરે જેને કરાવવી હોય તે કરાવે, ન કરાવવી હોય તે ન કરાવે. તમે કોણ છો આસ્થા પર બોલવાવાળા? અને બોલો છો તો જે પ્રતિકાર થાય તે પણ સહન કરો.
એક સમયે મંદિરોને ધંધાનું સ્થળ કહેનારા ગોપાલ ઈટાલિયા હવે મંદિરનાં શરણે!
છેલ્લાં 4 વર્ષ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ અને વિડીયો થકી હિન્દુ મંદિરોને ટાર્ગેટ કર્યા છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી હિન્દુ મતોનો ખપ હોય તેથી મંદિરોનો જ સહારો લઈ રહ્યા છે. તાજેતરમાં તેઓ સોમનાથ મંદિરે દર્શનનાં દેખાડા માટે પહોંચી ગયા હતા. પરંતુ તેમનાં કૃત્યો એવા છે કે, આ મામલામાં સોમનાથ દાદા પણ વચ્ચે પડે તેવું લાગતું નથી!
કેરળમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોડ પર ગૌ કાપી તે બાબતે ગોપાલ ઇટાલિયા કહે છે કે, ‘જેને ભાવે તે ખાય અને ના ભાવે તો ના ખાય!’
વાત હિન્દુ આસ્થા, તહેવારો કે ક્થકારો પૂરતી જ નથી પરંતુ આ મહાશય મંદિરોનો પણ ખૂલીને વિરોધ કરતાં રહ્યા છે તેઓ ઘણી વાર પોતાની પોસ્ટમાં ‘મંદિર એક સારો ધંધો છે, હું આ કરવાનું વિચારું છું’ આવું કહેતા ફરે છે. જોકે આજે પોતે જ રાજનીતિમાં આવ્યા બાદ મંદિરે મંદિરે ફરતા થયા છે. આટલું ઓછું હતું તો તેણે ગૌમાતા વિષે પણ વિકૃતિ ઠાલવી છે. એક કોલ રેકોર્ડિંગમાં કોઈ સવાલ પૂછે છે કે, કેરળમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રોડ પર ગૌ કાપી તેના બાબતે તમારું શું કહેવું છે? ત્યારે ગોપાલ ઇટાલિયા કહે છે કે, ‘જેને ભાવે તે ખાય અને ના ભાવે તો ના ખાય!’ હવે આ જવાબ પરથી અંદાજો લગાવી શકાય છે કે તેમની હિંદુ આસ્થા પ્રત્યે કેવી માનસિકતા છે. એક બીજી પોસ્ટમાં ગૌભક્તો પર તેઓ સવાલ કરે છે કે, ‘જર્સી/એચએફ ગાય માતા ગણાય કે નહીં? ગૌભક્તો કારણ સાથે જવાબ આપો!’ સવાલ એ છે કે, તેઓ આ સવાલ ગૌભક્તોને પૂછે છે પરંતુ કેમ ગૌ કાપતા કસાઇઓને નથી પૂછતા? કે ભાઈ ગૌવંશને શા માટે કાપો છો? તેમની અરાજકતાભરી સોશિયલ મીડિયા વોલ પર આ ચાર વર્ષમાં એક પણ પોસ્ટ કસાઇઓ પર નથી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ? આવું ફક્ત કસાઇઓ મામલે જ નથી બીજી ધાર્મિક વિધિ બાબતે પણ કોઈ દિવસ વિધર્મીઓ પર સવાલ કર્યા જ નથી. પોતે નાસ્તિક હોય તો શું એક જ ધર્મને ટાર્ગેટ કરવાનું? તેમની એક પોસ્ટ હલાલા પર કે ક્સાઈઓ પર નથી. એનાથી ઊલટું ઘણી પોસ્ટોમાં તેઓ વિધર્મીઓની આતંકી પ્રવૃત્તિ ઢાંકવા માટે પ્રયાસો કરે છે. એક પોસ્ટમાં અલગ અલગ જાતિ આધારિત આંદોલનોને ટાર્ગેટ કરી ને વિધર્મીઓની ખોટી પ્રવૃત્તિને જસ્ટિફાય કરવાની કોશિશ પણ કરી છે.
આ તો તેમની ફેસબૂક પોસ્ટોની માત્ર વાત કરી છે. પરંતુ તેમની અસંખ્ય કામેંટો પણ હતી જેમાં ભારોભાર હિન્દુ ધર્મ વિરોધી માનસિકતા છતી થાય છે. જોકે કેજરીવાલના મેરિટમાં હિન્દુ વિરોધી હોવું ફરજિયાત હોવાથી જ તેમણે આમ આદમી પાર્ટી અધ્યક્ષનું પદ મળ્યું છે. હાલમાં તેઓ કથિત માફી માંગીને (કેજરીવાલ પેટન્ટ) બચવાની કોશિશ કરે છે પરંતુ હિંદુ સમાજ તેમને માફ કરવાના મૂડમાં નથી. આ માનસિકતા કોઈ દિવસ છૂટે નહીં રાહુલ ગાંધીના જેમ ચૂંટણી પૂરતા બ્રાહ્મણ બન્યા છે પરંતુ લાંબા ગાળાનું લક્ષ ધર્મ વિરોધી જ છે. ગોપાલ ઇટાલિયાએ હાલમાં પોતાની ફેસબૂક પ્રોફાઇલ લોક કરી છે, જેથી કોઈ જૂની પોસ્ટ જોઈ શકે નહીં. તેમને ડર છે કે જો તેમની બધી જ ધર્મ વિરોધી બાબતો લોકો સુધી પહોંચી તો હિંદુ ધર્મમાંથી ભોજિયો ભાઈ પણ આમ આદમી પાર્ટીને વોટ આપશે નહીં. ખાસ વાત તો એ છે કે, ઈટાલિયાએ જે-જે બાબતોનો વિરોધ કર્યો, આજે તે બધી જ બાબતોનું અનુસરણ કરી રહ્યા છે. કથાકારોને પક્ષમાં લેવાની વાત હોય કે મંદિરે-મંદિરે દોડ લગાવવાની હોય. ટૂંકમાં કહીએ તો રાજકારણમાં આવ્યા પછી પોતાના અસલી વિકૃત ચહેરા પર એક મ્હોરું તેમણે ચડાવી લીધું છે. જો કે સદ્ભાગ્યે ગુજરાતની પ્રજા તેમના અસલી ચહેરાથી સારી પેઠે વાકેફ છે.