કાલે CM રાજકોટને વિકાસ કાર્યોની ભેટ આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આગામી તા. 26ના સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના રૂ. 565.63 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં રૂપિયા 167 કરોડનાં ખર્ચે બનનાર ગુજરાતનાં પ્રથમ થ્રીલેયર આઇકોનીક બ્રિજનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવનાર છે. આ સાથે આવાસ યોજનાનાં ખાલી પડેલા 183 આવસોનો ડ્રો તેમજ બાંધકામ, ડ્રેનેજ અને વોટરવર્ક્સ વિભાગના વિવિધ કામનું ખાતમુહૂર્ત અને 25 નવી બસોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. જોકે કાર્યક્રમનું લીસ્ટ ફાઇનલ થતા પૂર્વે કેકેવી ચોક હેઠળ બનાવવામાં આવેલા નવા ગેમઝોનનું ઉદ્ઘાટન હાલ મુલતવી રખાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ બુધવારે મુખ્યમંત્રી પટેલ કટારીયા ચોકડીએ ગુજરાતના સૌપ્રથમ કેબલ બ્રિજ અને અન્ડર બ્રિજનું ભૂમિપૂજન કરશે. તેમજ નવા 150 ફૂટ રીંગ રોડ ડેવલપમેન્ટ, માઇનોર બ્રિજ, નવી 25 સીટી બસના લોકાર્પણ, બાંધકામ અને વોટર વર્કસ, ડ્રેનેજ શાખાના કામો, આવાસ યોજનાના ડ્રો પણ આ સાથે જ કરવામાં આવશે. હવે આ કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે અને તેના આમંત્રણ કાર્ડ પણ છપાઇ ગયા છે. તેમજ કટારીયા ચોકડી ખાતે મુખ્યમંત્રીની જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કટારીયા ચોકડી ખાતે ગુજરાતનાં સૌપ્રથમ થ્રીલેયર આઇકોનીક બ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. આ બ્રિજમાં રૂ. 141 કરોડ અને જીએસટી મળીને રૂ. 167 કરોડનો ખર્ચ થશે. રાજકોટનો સૌથી વધુ વિકાસ પશ્ચિમ વિસ્તારમાં છે. જ્યાં મેટોડા અને ખીરસરા જીઆઇડીસી પણ આવેલી છે. જેને લઈને કટારીયા ચોકડી ખાતે આ ગુજરાતનો પ્રથમ થ્રીલેયર આઇકોનીક બ્રિજ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 30 મહિનામાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેનો લાભ અહીંથી પસાર થતા લાખો વાહનચાલકોને મળશે.
બ્રિજ સાથે 8.5*8.5 મીટર પહોળાઇમાં એક અંડરપાસ બનશે. જેમાં પણ 9.30ની પહોળાઇમાં સર્વિસ રોડ અને ફુટપાથ સામેલ છે.
આ ઓવરબ્રિજ અને અંડરબ્રિજના આયોજનની દરખાસ્ત અંગે કુલ ચાર એજન્સીના ભાવ આવ્યા હતા. તેમાં ગાવર ક્ધસ્ટ્રક્શન લી. અને બેકબોન ક્ધસ્ટ્રક્શનનાં જોઇન્ટ વેન્ચરનાં ભાવ રૂ. 141.73 કરોડ સૌથી નીચે હતા.
આ ટેન્ડરની શરત મુજબ જીએસટી અલગથી ચુકવવાનો હોય છે. આથી આ કંપનીને કામ આપવામાં આવ્યું હતું. બ્રિજનો રસ્તો થોડો પહોળો રહેશે. બ્રિજ પર ફુટપાથની જરૂર ન લાગતા માત્ર ફલાવર બેડ રાખીને ફુટપાથની જગ્યા રસ્તા પર ઉમેરવામાં આવી છે. આ ડિઝાઇનની સાથે જ બ્રિજ નીચે ગેમઝોનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલે રાજકોટનાં મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, 26 માર્ચે સાંજે 5:45 કલાકે મુખ્યમંત્રી રાજકોટની કટારીયા ચોકડી ખાતે આવનાર છે. તેઓના હસ્તે કટારીયા ચોકડી ખાતે રૂ. 167 કરોડના કુલ ખર્ચે બનનાર ગુજરાતનાં પ્રથમ થ્રીલેયર આઇકોનીક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આવાસ યોજનાનાં ખાલી પડેલા 183 આવસોનો ડ્રો તેમજ બાંધકામ, ડ્રેનેજ અને વોટરવર્ક્સ વિભાગના વિવિધ કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ઉપરાંત 25 નવી બસોનું લોકાર્પણ સહિત કુલ રૂ. 565 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. કેકેવી બ્રિજ નીચે બનેલા ગેમઝોનમાં હાલ ટેન્ડરની પ્રક્રિયા અને અન્ય થોડું કામ બાકી હોવાથી લોકાર્પણ હાલ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે નહીં. જોકે સીએમની જાહેરસભાનું આયોજન કટારીયા ચોકડીએ કરવામાં આવ્યું હોય વધુમાં વધુ લોકોને હાજર રહેવાની અપીલ મેયરે કરી છે.
રીંગ રોડની ચોકની બંને દિશામાં અંડરબ્રિજ બનશે
રાજકોટનો આ પ્રથમ કેબલ બ્રિજ બનશે. કાલાવડ રોડ પર ઓવરબ્રિજ અને તેની નીચે રીંગ રોડની ચોકની બંને દિશામાં અંડરબ્રિજ પણ બનવાનો છે. આથી પ્રોજેકટ ખુબ મોટો અને મહત્ત્વનો ગણાવાઇ રહ્યો છે. કટારીયા ચોકડીએ ફલાય ઓવરની કુલ લંબાઇ પોણો કિ.મી.થી વધુ એટલે કે 800 મીટર છે. તો તેની પહોળાઇ ફુટપાથ સહિત 24 મીટરની રહેશે. આ ડિઝાઇનમાં પ્લાન્ટેશન પણ છે. મધ્ય ભાગ 160 મીટરનો છે. બ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મો પ્લેકસ પાસે પૂરો થશે. જ્યારે રીંગરોડની દિશામાં બનનારા અંડરપાસની લંબાઇ 600 મીટર અને પહોળાઇ 18 મીટર રહેશે. અંડરબ્રિજ હાલના ઘંટેશ્વર સાઇડના પુલ તરફથી શરૂ થશે. રંગોલી આવાસના 18 મીટરના ટીપી રોડ (ગોંડલ રોડ) તરફ પુરો થશે. આ કામ અઢી વર્ષમાં પુરૂ કરવામાં આવશે.



