રસ્તામાં જ કાર પલટી ખાઈ જતાં વરરાજાનું ઘટના સ્થળે જ મૃત્યુ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી વતન વાલાસણ ગામે લગ્ન કરીને ઘરે આવેલા વરરાજાનું મોત થયાની ઘટના સામે આવી છે. વરરાજાને ફેરા પુરા કર્યા બાદ તેના મિત્રોએ નાસ્તો કરવા લઈ ગયા હતાં. આ દરમિયાન રસ્તામાં જ સ્કોર્પિયો કાર પલટી ખાઈ જતાં વરરાજાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જેને લીધે જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગી રહી હતી. તે જ ઘરે માતમ છવાઈ ગયો હતો.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટનાં ઘંટેશ્વર નજીક જછઙ કેમ્પ પાસે આવેલા આસ્થા રેસિડેન્સીમાં રહેતા વાળા પરિવારના પુત્ર રવિરાજસિંહના લગ્ન હતા. પરિવારજનોએ તેમના વતન વાલાસણ ગામે લગ્ન રાખ્યા હતાં. ગત 27 તારીખે સાંજે મિંઢોળબંધ વરરાજા રવિરાજસિંહ વાળાનું ફુલેકુ નીકળ્યું હતુંં. નાના એવા ગામમાં ફુલેકુ ફર્યા બાદ વરરાજા દુલ્હનને લઈ ચોરીના ચાર ફેરા ફરવા મંડપે પહોંચ્યા હતાં.
આ પછી રાત્રે ફેરા પત્યા બાદ રવિરાજસિંહના માતાએ નવદંપતિનું સામૈયું કર્યું હતું અને દુલ્હન બનીને આવેલી દીકરીના ઘરમાં કંકુ પગલાં પાડ્યા હતાં. આ પછી વરરાજા દુલ્હન પાસે જાય તે પહેલા જ મિત્રો અને સગા સંબંધીઓ તેને હેરાન કરવા બળજબરીથી નાસ્તો કરવાના બહાને ઘરેથી લઈ ગયા હતાં. આ દરમિયાન રવિરાજસિંહના મિત્રો અને સગા સંબંધી સહિત 5 વ્યક્તિ સ્કોર્પિયો કારમાં વાલાસણથી પાનેલી ગામે નાસ્તો કરવા જતા હતા ત્યારે રેલવે ફાટક પાસે જ કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મિંઢોળબંધ વરરાજા રવિવારજસિંહનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની ભાયાવદર પોલીસને વહેલી સવારે જાણ કરવામાં આવતાં પોલીસ જમાદાર જે. એમ. રાજપરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ધર્મરાજસિંહ જાડેજા સ્કોર્પિયો કાર ચલાવી રહ્યાં હતાં અને વાલાસણ-પાનેલી વચ્ચે ફાટક પાસે ગોલાઈ પર સ્કોર્પિયો પહોંચી ત્યારે ઓચિંતા જ ભુંડ આડુ ઉતરતા તેને બચાવવા જતાં સ્કોર્પિયો કાર રેલવેના પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.