M.ed SEM-4ના સ્ટેટિસ્ટિકલ મેથડ ફોર એનાલિસિસ ઓફ ડેટા સબ્જેક્ટનાં તમામ વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાયા
M.ed SEM.1થી 3માં ટોપ રેન્કર રહેનારા 12 વિદ્યાર્થીઓ SEM.4માં નાપાસ જાહેર કરાતાં જવાબદાર કોણ? શિક્ષણશાસ્ત્ર ભવન કે પરીક્ષા વિભાગ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ ગ્રેડની સાથે પોતાની ગુણવત્તા પણ ગુમાવી દીધી હોય તેમ છાશવારે એક પછી એક છબરડાંઓ નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્ર તો ઠીક પણ વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ પ્રશ્ર્નાર્થ ઉભા થવાના શરૂ થયા છે. ગત શનિવારે સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણશાસ્ત્ર ભવન એમ.એડ. સેમ.4ના જાહેર કરાયેલા પરિણામમાં આવો જ એક છબરડો સામે આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્ર ઉપરાંત વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ર્નાર્થ ઉભા થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા શિક્ષણશાસ્ત્ર ભવનના સેમેસ્ટર 4ના સ્ટેટિસ્ટિકલ મેથેડ ફોર એનાલિસિસ ઓફ ડેટાના ગત શનિવાર સાંજે જાહેર કરાયેલા પરિણામમાં આ વિષય રાખી પરીક્ષા આપનારા તમામ 12 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની માર્કશીટમાં સ્ટેટ વિષયના માર્કની જગ્યાએ અ00 અને પરિણામમાં ઋફશહ લખેલું આવ્યું છે. નવાઈની વાત એ છે કે, આ 12 વિદ્યાર્થીઓ પૈકી તમામ વિદ્યાર્થીઓ એમ.એડ. સેમ.1થી 3માં ટોપ રેન્કર રહ્યા હતા. હવે સેમ.4માં એવું તો શું થયું કે આ તમામ 12 વિદ્યાર્થીઓ નાપાસ થયા? ત્યારે સૌથી મોટો સવાલ એ ઉદ્દભવી રહ્યો છે કે, આ છબરડાં પાછળ જવાબદાર કોણ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણશાસ્ત્ર ભવન કે પરીક્ષા વિભાગ?
વિદ્યાર્થીઓની માર્કશીટમાં સ્ટેટિસ્ટિકલ સબ્જેક્ટનાં માર્કમાં A00 અને પરિણામમાં FAIL લખેલું આવ્યું
- Advertisement -
એમ પણ કહેવાય છે કે, આ પેપર વાસ્તવમાં ચકાસાયા જ નથી. આ મહાપાપ બદલ સ્વયં ભીમાણીએ રાજીનામું શા માટે ન આપવું એ પણ સવાલ છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શિક્ષણશાસ્ત્ર ભવનનો આંતરિક વિવાદ પણ અવારનવાર છાપરે ચઢી પોકારે છે. દરમિયાન હાલના આ છબરડાં પાછળ પણ કોઈ વિવાદ છે કે કેમ તે તપાસનો વિષય છે. આ સાથે જ એ પણ જોવું રહ્યું કે, નાની-નાની બાબતોમાં પ્લેસમેન્ટ કર્મચારીઓ સામે આકરાં પગલાં ભરતા ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી વિદ્યાર્થીઓની કારકિર્દી રોળી નાખતી આ ઘટનામાં કડક કાર્યવાહી કરશે ખરા?
વિષય શિક્ષક મગનલાલ મોલિયાની પરીક્ષા વિભાગને ‘ખો’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના 12 વિદ્યાર્થીઓને સ્ટેટ વિષયમાં નાપાસ કરવા અંગે આ વિદ્યાર્થીઓના વિષય શિક્ષક ડૉ. મગનલાલ મોલિયાને સમગ્ર મામલો પૂછતાં તેમણે ઉગ્રતાપૂર્વક કહ્યું હતું કે, મને ખબર ન હોય. પરીક્ષાવિભાગને પૂછો તેમ કહી તેમણે હાથ ખંખેરી નાખ્યા હતા અને છબરડાં મામલે પરીક્ષા વિભાગને ખો આપી દીધી હતી. જોકે એવું ચચાર્ય રહ્યું છે કે, પેપર ચકાસનાર વિદ્યાર્થીઓના માર્ક મૂકવાનું-આપવાનું ભૂલી ગયા હોવાથી આ છબરડો થયો છે.
શિક્ષણ ભવનના હેડ ભરત રામાનુજનું રામ જાણે જેવું કથન…
એમ.એડ. સેમ.4ના એક વિષયના તમામ 12 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવા અંગે જ્યારે શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. ભરત રામાનુજને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓ ગેંગેફેંફે થવા લાગ્યા હતા અને પોતાનો તથા શિક્ષણશાસ્ત્ર ભવનનો બચાવ કરતા તેમણે પરિણામ અનામત રાખ્યુ હશે તેમજ સમગ્ર મામલે પરીક્ષા વિભાગને પૂછીને જણાવીશ એવું કહ્યું હતું. બાદમાં આ અંગે તેમનો ફરી સંપર્ક સાધતા તેઓએ ફાઇનાન્સ મિટિંગમાં પરીક્ષા વિભાગનાં અધિકારીઓ હોય પછી પૂછીને જણાવું તેમ કહ્યું હતું.
યુનિ.નાં બેવડા ધોરણો વચ્ચે કુલપતિનાં વલણ પર સૌની નજર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ હવે ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તે વ્યક્તિ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરીક્ષાના પેપરો પણ જે-તે કોલેજના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવનાર છે પરંતુ આ પેપરો જ્યાં તપાસાય છે તે સૌ.યુનિ.નું ક્ધવેન્શન બિલ્ડીંગની હાલત ખાડે ને દરવાજા મોકળા થયા જેવી છે. અહીં સીસીટીવી કેમરા તો લાગેલા છે પણ મોનિટરિંગ કોણ કરે તે નક્કી નથી. અત્યાર સુધી પેપર તપાસવામાં બેદરકારી દાખવનાર કોઈ અધ્યાપક સામે કાર્યવાહી કરવામાં આવી નથી એટલું જ નહીં, ટેક્નિકલ ખામી કરનાર અધિકારી સામે પણ પગલાં ભરવામાં આવ્યા નથી. પરીક્ષા ફોર્મ કે ફી ભરવામાં તારીખ ચૂકી જનારા વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી દંડની રકમ ખંખેરી લેનાર સૌ.યુનિ.ના સત્તાધીશો માર્ક મૂકવામાં છબરડાં કરનારા અધ્યાપકો અને ટેક્નિકલ ભૂલો કરનારા અધિકારીઓ સામે પાણીમાં બેસી જાય છે ત્યારે સૌ. યુનિ. ઈન્ચાર્જ કુલપતિ ભીમાણી હાલમાં થયેલા છબરડાંની ઘટનામાં કેવું વલણ દાખવે છે તેની પર વિદ્યાર્થીઓથી લઈ સૌની મીટ મંડાઈ છે.