યાત્રાધામોના વિકાસ માટે રૂ. 28.68 કરોડના કામોને મંજૂરી આપતા ડે.સીએમ હર્ષ સંઘવી
ગોધરામાં ગાંધી આશ્રમનું થશે નવીનીકરણ: ડાંગ દરબાર-2026 માટે રૂ. 1.25 કરોડની જોગવાઈ
- Advertisement -
શંખલપુર ટોડા બહુચરાજી અને સુડાવડ ખોડિયાર મંદિર ખાતે સોલાર રૂફટોપ અને સત્સંગ હોલની ભેટ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યના ઐતિહાસિક વારસાને જાળવવા અને યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ પ્રવાસન અને યાત્રાધામો માટે અંદાજે રૂ. 28.68 કરોડના વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી આપી છે.
રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાના મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે સૌથી મોટી રકમ એટલે કે રૂ. 20.09 કરોડના કામોનો વર્ક ઓર્ડર આપવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત, જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પ્રવાસીઓની સુવિધા માટે મજવેડી ગેટ પાસે કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ અને ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર માટે રૂ. 1.07 કરોડ મંજૂર કરાયા છે. ભવિષ્યમાં અહીં બે અત્યાધુનિક લિફ્ટ પણ મૂકવામાં આવશે. મહેસાણામાં શંખલપુર સ્થિત શ્રી ટોડા બહુચરાજી માતાજી મંદિર ખાતે પેવર બ્લોક અને સોલાર સિસ્ટમ માટે રૂ. 60.64 લાખની ફાળવણી, બગસરાના સુડાવડ સ્થિત આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે સત્સંગ હોલ અને પાર્કિંગ શેડ માટે રૂ. 49.80 લાખ મંજૂર, ઘડોઈ સ્થિત શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિરને પ્રવાસન હોટસ્પોટ બનાવવા રૂ. 1.80 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ઘાટ અને ચિલ્ડ્રન પ્લે એરિયા વિકસાવાશે.પંચમહાલના ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા 1917માં સ્થાપિત ઐતિહાસિક ગાંધી આશ્રમના નવીનીકરણ માટે રૂ. 3.36 કરોડની ગ્રાન્ટ ફાળવી વારસાના જતનનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. સાથોસાથ, ડાંગની આદિવાસી સંસ્કૃતિના ગૌરવ સમાન ’ડાંગ દરબાર-2026’ ના ભવ્ય આયોજન માટે અત્યારથી જ રૂ. 1.25 કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.



