સોશિયલ મીડિયા, સિરિયલ કિલિંગ વેબ સિરીઝ જોઇ હત્યાનો પ્લાન બનાવ્યો’તો!
માથામાં હથોડી ફટકારી, વ્યાજની ડાયરી પણ લાશ સાથે સળગાવી નાખી
- Advertisement -
સતત ત્રણ દિવસની આકરી પુછતાછ બાદ અંતે વટાણા વેરી દેતા પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રૈયા રોડ પર વૃદ્ધની અર્ઘ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ઈજાના કારણે મોત થયાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા વૃદ્ધની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેમની દીકરીના દીકરાએ જ કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપી ભાણેજની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીના પિતાએ નાના પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને બાદમાં તેણે પણ ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં નાના પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. તેમજ અમદાવાદમાં ચોરીના ગુનાને અંજામ આપતા નાના ઠપકો આપતા હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. બે ત્રણ વખત પ્રયત્ન કર્યા બાદ અંતે હત્યાને અંજામ આપી નાનાને મોતને ઘાટ ઉતારી દઈ મૃતદેહ સાથે વ્યાજે લીધેલા નાણાની ડાયરી પણ સળગાવી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના રૈયા ધાર વિસ્તારમાંથી અર્ધ સળગેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોત નોંધ્યા બાદ મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેમાં વૃદ્ધનું મોત બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. વૃદ્ધ એકલા જ રહેતા હોવાનું સામે આવતા પોલીસે તેમના પરિવારજનો અને આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરી હતી. મૃતક મનસુખ આણંદજીભાઈ ટાંક (ઉ.વ. 73)ની હત્યા થઈ હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવતા પોલીસે ઇગજની કલમ 103(1), 332 (સી), 238(એ) તથા જી.પી. એકટ કલમ 135 મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન બાતમી મળી કે મૃતક વૃદ્ધના દીકરીના દીકરા હર્ષ સોલંકી (ઉ.વ.20)એ જ હત્યા કરી છે. જેથી પોલીસે આરોપી હર્ષની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ હત્યા બાબતે કશુ જાણતો ન હોવાનું રટણ કર્યું હતું.
- Advertisement -
આરોપીને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, હત્યાને પોતે અંજામ આપ્યો છે. મૃતક વૃદ્ધ તેના નાના થાય છે અને આજથી 4 વર્ષ પહેલાં નાનીનું બીમારી સબબ મોત થયું હતું. જ્યારે તેમના દીકરાએ આજથી 25 વર્ષ પહેલાં સુસાઇડ કરી લીધું હતું આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી હર્ષના પિતા બિપિનભાઈએ મૃતક મનસુખભાઈ ટાંક પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેનું વ્યાજ દર મહિને આપતા હતા. આ બાબતે પણ કોઈ વખત બોલાચાલી થતી હતી. આ પછી પોતે પણ નાના પાસેથી 35,000 રૂપિયા ઉછીના લીધા હતા. આરોપીએ અમદાવાદમાં જવેલર્સ શોરૂમમાંથી ચોરી કરી હોવાથી સમાજમાં બદનામી મળતી હોવાનું કહી નાના થપકો આપતા હતા.
જેથી રોષે ભરાયેલા આરોપીએ નાનાની હત્યા નિપજાવવા પ્લાન ઘડ્યો હતો. હત્યા કરવા માટે તેને સોશિયલ મીડિયા, સિરિયલ કિલિંગ વેબ સિરીઝ અને વીડિયો જોઈ શીખ મેળવી હતી. આ ઉપરાંત જેલમાં કેવી રીતે કેદીઓ રહેતા હોય તે અંગે પણ વીડિયો જોઈ શીખ મેળવી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કેવી રીતે કરવો એ પણ શીખ મેળવી હતી ત્રણ દિવસ પૂર્વે રાજકોટના માધાપર ચોક નજીક આવેલા એક પેટ્રોલ પંપમાંથી બોટલની અંદર પેટ્રોલ ખરીદ્યુ હતું. ત્યાર બાદ સ્કૂટરની ડિકીમાં પેટ્રોલની બોટલ સાથે લઇ નાના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં પહોંચી નાનાને માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારી હત્યા નિપજાવી દીધી હતી. બાદમાં ડિકીમાંથી પેટ્રોલની બોટલ લાવી વ્યાજે લીધેલ રૂપિયાના હિસાબની ડાયરી સાથે રાખી પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી અને પુરાવાનો નાશ કર્યો હતો.
અમદાવાદમાંથી ચોરેલા 15 તોલા સોનાના દાગીનાં ગીરવે મૂકી 8.65 લાખની લોન લીધી હતી
આરોપીએ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનામહોર જવેલર્સ શો રૂમમાં 15 તોલા સોનાના દાગીનાં ચોરી કરવામાં આવી હતી. જે સોના પર રાજકોટના પેડક રોડ ઉપર આવેલી એચ.ડી.એફ.સી. બેંકમાંથી રૂપિયા 8.65 લાખની ગોલ્ડ લોન લીધી હતી આ પછી રૂપિયા 4 લાખ એવીએટર ઓનલાઇન ગેમમાં હારી ગયો હતો. એચ.ડી.એફ.સી. બેંકનું ક્રેડિટ કાર્ડ છેલ્લા એક વર્ષથી વાપરતો હતો અને તેના રૂપિયા 1 લાખ ભરવાનાં હતા તે ભરપાઈ કર્યા હતા. બાકીના રૂપિયામાંથી 1 લાખ રૂપિયા રોકડેથી એપલ કંપનીનો આઈફોન 15 પ્રોમેક્સ ખરીદ્યો હતો અને બાકીનાં રૂપિયા 2 લાખ તેના પિતાને આપ્યા હતા ચોરીના ગુનામાં આરોપી પકડાઇ જતા અમદાવાદ સોલા પોલીસે ગોલ્ડ મુદામાલ તરીકે કબ્જે કર્યું હતું.