ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, જૂનાગઢ જિલ્લાની ચાર નગરપાલિકાઓ માણાવદર, વિસાવદર, બાંટવા અને વંથલીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ’હર ઘર તિરંગા’ અને ’હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાઓ અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, મહિલા મંડળો, સ્વયંસેવક સંસ્થાઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી કેળવવાનો અને દરેક નાગરિકને પોતાના ઘરે તિરંગો ફરકાવવા માટે પ્રેરણા આપવાનો હતો. માણાવદરમાં સિનેમા ચોકથી ગાંધીચોક સુધી ભવ્ય રેલી યોજાઈ હતી. જેમાં દેશભક્તિના ગીતો અને વિદ્યાર્થીઓના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તથા વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલથી સરદાર ચોક સુધી રેલી યોજાઈ હતી. આ રેલીમાં ’હર ઘર સ્વચ્છતા’નો સંદેશ પણ ફેલાવવામાં આવ્યો હતો તમજ બાંટવા પરિશ્રમ સ્કૂલ સુધી રેલી કાઢવામાં આવી હતી અને વંથલી ડો. બાબાસાહેબના સ્ટેચ્યુથી મુખ્ય બજાર, સ્ટેશન દરવાજા સુધી રેલી યોજાઈ હતી.આ તમામ કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીશ્રીઓ પણ સહભાગી બન્યા હતા અને દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.