આયોજનનો ઉદ્દેશ યુવા પેઢીને ધર્મ-પરંપરા સાથે જોડવાનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ તપેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે આજે તા. 17 ને બુધવાર (વદ 13 માસિક શિવરાત્રિ)ના રોજ રાત્રે 10-00 કલાકે ભગવાન ભોળાનાથની ભવ્ય શૃંગાર આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવા થોરાળા વિસ્તારમાં શેરી નં. 15, મચ્છુ માની ડેરી પાસે સ્થિત આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. તપેશ્ર્વર મહાદેવ ગ્રુપના યુવાનો દ્વારા સંચાલિત આ ધાર્મિક કાર્યક્રમમાં દર મહિને ભગવાન શિવના વિવિધ અને અલૌકિક આકર્ષક સ્વરૂપોના દર્શન કરાવવામાં આવે છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને ધર્મ અને ભારતીય પરંપરાઓ સાથે જોડવાનો છે. માસિક શિવરાત્રિના પવિત્ર પર્વનું મહત્ત્વ જળવાઈ રહે અને ભક્તોને આધ્યાત્મિક શાંતિ મળે તે હેતુથી તપેશ્ર્વર મહાદેવ ગ્રુપના યુવા સભ્યો યશ દેસાણી, ચેતન રવિભાણ, મોહિત ગોંડલીયા, ઉદય દેશાણી, શુભમ જાડેજા, મયંક રાવલ અને ચિત્રાંગ સીતાપરા તથા ધર્મપ્રેમીઓ લતાવાસી ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.



