સાહિત્ય અકાદમીના સહકારથી માતૃભાષા દિવસ ઉજવાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
વિશ્ર્વભરમાં દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્ર્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત પોરબંદરમાં પણ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ખીજડી પ્લોટ ગાર્ડન પોરબંદર ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોકડાયરામાં જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશ્ર્નર એચ.જે.પ્રજાપતિ, ડેપ્યુટી કમિશ્ર્નર મનન ચતુર્વેદી, ગ્રામ્ય મામલતદાર ખીમભાઈ મારુ, શહેર મામલતદાર ભરતભાઈ સંચાણીયા, રામદેવભાઈ મોઢવાડીયા, હિરલબા જાડેજા, રાજભા જેઠવા, અનિલભાઈ કારીયા, ડો. સુરેશભાઈ ગાંધી વગેરે મહાનુભાવો અને સાહિત્યપ્રેમીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માતૃભાષા મહોત્સવ કાર્યક્રમમાં નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણશી ગોરાણિયાએ સ્વાગત પ્રવચન અને વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડો. સ્નેહલ જોષીએ જીવનમાં માતૃભાષાનું મહત્વ સમજાવતાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે લોકો દિનપ્રતિદિન માતૃભાષાથી વિમુખ થતા જાય છે જે આપણા સૌ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે, આવા સમયે પોરબંદરમાં નવરંગ જેવી સંસ્થા ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા દરેક કલાના જતન માટેબયોગદાન આપી રહી છે, ત્યારે સમગ્ર પોરબંદરવાસીઓનો સહકાર ઈચ્છનિય છે.
લોકડાયરાની જમાવટ : માતૃભાષા મહોત્સવ અંતર્ગત યોજાયેલ લોકડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવીએ માતૃભાષા અને લોકસાહિત્ય વિશે પોતાની આગવી શૈલીમાં અનેક પ્રસંગો રજૂ કરીને લોકોને સાહિત્યની સફર કરાવી પોતાની ઉત્તમ રચનાઓ દ્વારા માતૃભાષાને લાડલડાવતા શબ્દપુષ્પો અર્પણ કર્યા હતા.
બાલ કવિ અને બાળ કલાકારની પ્રસ્તુતિ : બાળ કલાકાર દિવ્ય ગોસ્વામીએ કાર્યક્રમની શરૂૂઆતમાં સુંદર ભજન રજૂ કરીને લોકડાયરાની વિધિવત રીતે શરૂૂઆત કરાવી હતી. આ ઉપરાંત બાળ કવિ દર્શિલ ગોરાણીયાએ પોતાની આકર્ષક શૈલીમાં રાધા ક્રિષ્નની એક સુંદર સાહિત્ય રચના રજૂ કરતાં ઉપસ્થિત સૌ સાહિત્ય રશીકોએ તાળીઓના ગળગળાટથી આ નાનકળા બાલ કવિને વધાવી લીધો હતો.
આ માતૃભાષા મહોત્સવ નિમિત્તે આયોજિત લોકડાયરાના કાર્યક્રમમાં પોરબંદરના સૌ કલા અને સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકડાયરાની મોજ માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા, સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક મિલન પાણખાણીયા, જય પંડ્યા, શુભમ સામાણી તથા નવરંગ સંસ્થાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જય પંડ્યા અને આભારવિધિ મિલન પાણખાણીયાએ કરી હતી.