હિન્દુ સંગઠનો દ્વારા યોજવામાં આવેલી શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
દેશમાં દરેક હિન્દુ પર્વની કઈક અલગ વિશેષતા હોય છે. અહીં દરેક પર્વની સાથે કોઈને કોઈ કથા અને ઇતિહાસ જોડાયેલો છે ત્યારે ચૈત્રી સુદ નવમીના દિવસે હિન્દુના પવિત્ર તહેવાર તરીકે રામ નવમી પર્વ ઉજવાય છે. રામ નવમીના પર્વનું મહત્વ ગુજરાત રાજ્યમાં વધુ નજરે પડે છે તેવામાં રામ નવમીના પર્વ નિમિતે ઠેર ઠેર રામ ભગવાનની શોભાયાત્રા યોજવામાં આવે છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં રામ નવમી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી હિન્દુ સંગઠનો દ્વારા યોજાનાર રામ નવમીના શોભાયાત્રામાં ભારે માનવ મહેરામ ઉમટ્યું હતું. આ શોભાયાત્રામાં અનેક કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ડી.જે સાથે અનેક યુવાનો ભગવાનના ગીતો સાથે ઝૂમ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા, થાનગઢ અને મૂળી સહિતના નગરમાં રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાટડી રામજી મંદિર ખાતેથી સવારના સમયે શ્રી રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રાનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. અને આખુંય પાટડી શહેર ભગવા રંગથી શણગારવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં પાટડી વિભાનસભાના ધારાસભ્ય પી.કે.પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિતના ભાજપ આગેવાનો પણ જોડાયા હતા.
- Advertisement -
જ્યારે થાનગઢ ખાતે પણ સવારના સમયે રામજી મંદિર ખાતેથી નીકળેલી મર્યાદા પુરષોતમ શ્રી રામની શોભાયાત્રામાં તમામ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો સાથે હિન્દુ સંગઠનોના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. શોભાયાત્રા સાથે નીકળેલા ભક્તોને ઠેર ઠેર સ્વાગત કરી થાનગઢ શહેરમાં અનેરું ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સવારના સમયે નીકળેલી શોભાયાત્રા થાનગઢ નગરના માર્ગો પર ફરીને પરત રામજી મંદિર ખાતે પૂર્ણ કરી મહા આરતી બાદ રામજન્મોત્સવની કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો હતો. મૂળી પંથકમાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરા ગામ ખાતે રામ નવમી નિમિતે રામજી મંદિર ખાતેથી શ્રી રામ ભવનની શોભાયાત્રા અને રામ જન્મોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમના સમસ્ત સરા ગામના રહીશો એક સાથે રામ નવમીના પર્વની ઉજવણી કરી હતી.
આ તરફ ધ્રાંગધ્રા શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ રોકડિયા હનુમાન મંદિર ખાતેથી બપોરે 3:00 વાગ્યા બાદ નીકળતી શોભાયાત્રામાં નીકળી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ધ્રાંગધ્રાના પૌરાણિક રામ મહેલ મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રા શહેરમાં મુખ્ય માર્ગો પર પહોચતા જ બંને યાત્રાઓ એકબીજા સાથે મળી ગઈ હતી. દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતની હિન્દુ સંગઠન થકી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જિલ્લાની સૌથી મોટી શોભાયાત્રા હોવાથી અહીં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં અનેક કરતબબાજો દ્વારા પોતાનું હુનર પ્રસ્તુત કરી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. શરીર દહાડે તેવા ધોમધખતા તપ વચ્ચે યાત્રામાં નીકળેલા દરેક લોકો માટે શોભાયાત્રાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ઠંડા પીણા અને શરબતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા લગભગ 40 ડિગ્રી જેટલી ગરમીના પણ ધ્રાંગધ્રાની શોભાયાત્રામાં આશરે દસ હજાર જેટલા હિન્દુ ભાઈઓ અને બહેનો સ્વયંભૂ યાત્રામાં જોડાયા હતા. આ સુરેન્દ્રનગર જિલ્લા ઠેર ઠેર રામ જન્મોત્સવની ઉજવણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.



