ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જુનાગઢ શહેર સ્થિત બર્ડાઈ બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિ પૂર્વ ભક્તિમય અને ભવ્ય પ્રારંભની ભૂમિકારૂપ, પ્રથમ આરતીનું સુંદર અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે ધર્મપ્રેમી ભક્તજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી, અને આરતીના સૂરમાં, સંસ્કૃતિ અને પરંપરાના સંગમમાં લીન થયા હતા.
અતિશય મહત્વની વાત એ રહી કે 14 એપ્રિલે ભારતના મહાન સમાજસુધારક અને બંધારણના શિલ્પી, ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઊજવણી પણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક તકે અનુસૂચિત જાતિના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો આ એકત્વનું પ્રતિબિંબ બનેલું દૃશ્ય સૌ કોઈના હૃદયને સ્પર્શી ગયું હતું. ધાર્મિક સમારંભની સાથે સમાજિક એકતાનો આ કાર્યક્રમ અનોખો સંદેશ આપ્યો કે, દરેક વર્ગ, પાંથ અને પંથના લોકો એક મંચ પર આવી શકે છે અને પરસ્પર ભાઈચારા તથા બંધારણપ્રતિ શ્રદ્ધા પ્રગટાવી શકે છે. કાર્યક્રમની શોભા વધારવા માટે બ્રહ્મ યુવા સંગઠનના હોદ્દેદારો તથા બ્રહ્મસમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમના માર્ગદર્શન અને સાથ-સહકારથી સમગ્ર આયોજન વધુ ઉમદા બન્યું હતું. સમાપન સમયે, ઉપસ્થિત તમામ મહેમાનો તથા ભક્તજનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને સમરસતાની ભાવના વ્યક્ત કરી હતી એ રીતે પરશુરામ જયંતિના પૂર્વ જુનાગઢમાં બ્રહ્મસમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.