ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખીને નાગરિક પ્રથમ અભિગમ સાથે સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 17 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. શહેરી વિકાસ વર્ષ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી જળવાઈ રહે, તેમજ લોકોમાં સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી પ્રત્યે જાગૃતિ વધે અને લોકલ વેપારીઓને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી મહાનગરપાલિકા દ્વારા આજે સવારે વોકેથોન (દોડ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ’સ્વદેશી અપનાઓ’, ’લોકલ ફોર વોકલ’, અને ’આત્મનિર્ભર ભારત’ જેવા સૂત્રો સાથે આયોજિત આ વોકેથોનને કમિશનર તેજસ પરમાર, ડે. મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડી.જે. જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહીતના મહાનુભાવોના વરદ હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વોકેથોનનો રૂટ મહાનગર સેવા સદન થી શરૂ થઈને એમ.જી. રોડ, કાળવા ચોક, જયશ્રી રોડ, તળાવ ગેટ થઈને પરત આઝાદ ચોક સુધીનો રાખવામાં આવ્યો હતો.



