સરકારના વિવિધ વિભાગો વચ્ચે નોક-આઉટ ટૂર્નામેન્ટ રમાશે
દિવ્ય ભાસ્કર, ફૂલછાબ, સંદેશ તથા રેસ્ટ ઑફ પ્રેસ જેવી ટીમો વચ્ચે ટક્કર: સિટી પોલીસ, રેલ્વે, જી.એસ.ટી. તથા સેલ્સ ટેક્સ જેવી 12 ટીમો વચ્ચે પણ જંગ જામશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગત વર્ષની 4 – પિલર ટૂર્નામેન્ટની શાનદાર સફળતા બાદ વર્ષ 2025ની 4 પિલર ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્ટાર્ટ થવા જઈ રહી છે. આ વર્ષે 5 જાન્યુઆરી 2025થી રોલેક્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થશે જેમાં 20 અલગઅલગ ટિમ ભાગ લેશે. આ 20 ટિમ પૈકી શહેરના મોટાભાગના સવારના અને સાંજના અખબારો જેમ કે દિવ્ય ભાસ્કર, સંદેશ, ફૂલછાબ, ઉપરાંત રેસ્ટ ઓફ પ્રેસ (જેમાં મેગેઝિન્સ તથા અંગ્રેજી છાપાંઓનો બ્યુરો સ્ટાફ તેમ જ એફ. એમ. રેડિયોના આર.જે. વગેરે સામેલ હોય છે) ટિમ ભાગ લેશે. આ સિવાય ઈન્કમ ટેક્સ, સીજીએસટી, પીજીવીસીએલ, સિટી પોલીસ, રેલવે વગેરેની ટિમ પણ સામેલ થશે.
રોલેક્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2025માં આ વર્ષે સતત બીજી વખત લોકશાહીના અન્ય ત્રણ સ્તંભ પણ ભાગ લેશે. જોકે આ વર્ષે યોજાનારી ટૂર્નામેન્ટની ખાસ વાત એ રહેશે કે, મીડિયાની ટિમ માત્ર મીડિયા સાથે જ ક્રિકેટ જંગ કરશે તો બીજી તરફ સરકારી વિભાગો અન્ય વિભાગો સામે ક્રિકેટ યુદ્ધ માંડશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલ તથા ફાઇનલ મેચો રાત્રી પ્રકાશમાં રમાશે અને શહેરભરના અનેક મહાનુભાવોએ સહિત ક્રિકેટપ્રેમીઓ તેનો આનંદ ઉઠાવશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 40 મેચ રમાશે. આ વર્ષે યોજાનાર રોલેક્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટને લઈ મીડિયા તેમજ સરકારી વિભાગની ટિમમાં અનેરો ઉત્સાહ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ ક્રિકેટ ટૂર્નામેન્ટ માત્ર ગમ્મત ખાતર નથી હોતી. બધી જ ટીમના પ્લેયર્સ દોઢ-બે મહિના સખ્ત પ્રેક્ટિસ કરે છે. બધા જ ગંભીરતાથી રમે છે. આ ટૂર્નામેન્ટ પૂર્ણત: આંતરરાષ્ટ્રીય નિયમોથી રમાય છે. રાજકોટના ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી આ ટૂર્નામેન્ટમાં સીઝન બોલનો જ ઉપયોગ થાય છે, સ્ટેટ પેનલના અમ્પાયર્સ, સ્ટેટ પેનલના સ્કોરર્સની સેવાઓ લેવામાં આવે છે. બે ઇનિંગ વચ્ચેના બ્રેકમાં ચા-નાસ્તો અપાય છે. સારા ઈનામો આપવામાં આવે છે. ફાઈનલ મેચ પછી એક જમણવારનું આયોજન થશે જેમાં ઉપસ્થિત મહેમાનો ઉપરાંત દરેક ટીમના લોકો અને અન્ય અનેક મોભીઓ હાજરી આપશે. આ ટૂર્નામેન્ટ ભૂતકાળમાં અનેક વખત યોજાઈ છે પરંતુ કોઈને કોઈ કારણોસર નિયમિત થતી નહોતી. છેવટે વિવિધ મીડિયા ગ્રુપમાંથી 11 લોકોની એક કમિટી બનાવી અમે છેલ્લા 15 વર્ષથી આ ટૂર્નામેન્ટ નિયમિત યોજવા નિર્ધાર કર્યો છે. કારણ કે, સતત સ્ટ્રેસ નીચે કામ કરતા કર્મીઓ માટે આ આયોજન કોઈ તહેવારથી કમ નથી. સૌ ઉત્સાહભેર ભાગ લે છે અને ખેલભાવનાથી રમે છે.
ટૂર્નામેન્ટમાં રોલેક્સ રિંગ્સનાં મનીષભાઈ માદેકાનો સહયોગ
છેલ્લાં પંદરેક વર્ષથી નિયમિત રમાતી મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટનું વધુ સારી રીતે આયોજન થઈ શકે તે માટે રાજકોટની વિખ્યાત કંપની રોલેક્સ રિંગ્સના માલીક અને જાણીતા શ્રેષ્ઠી મનીષભાઈ માદેકાએ અનેરો સહયોગ પૂરો પાડ્યો છે. આ ઉમદા પ્રવૃત્તિ માટે તેમણે કોઈ જ ખચકાટ વગર સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી. આ સહકાર બદલ રાજકોટ મીડિયા ક્લબ તથા ટૂર્નામેન્ટનાં દરેક ખેલાડી અને સરકારી વિભાગોની 12 ટીમનાં પ્લેયર્સએ તેમનો આભાર માન્યો છે.
ફાઈનલ મેચ રાત્રિ પ્રકાશમાં, ઈનામ વિતરણ બાદ ગ્રાન્ડ ડિનર
આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ દર વર્ષે રાત્રી પ્રકાશમાં જ યોજાય છે. આ વર્ષે પણ ફાઈનલ ડે એન્ડ નાઈટ રહેશે. ફાઈનલ બાદ ભવ્ય ઈનામ વિતરણ સમારોહ યોજાશે. જેમાં રાજકોટનાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુશન બાદ દરેક પ્લેયર્સ માટે અને મહેમાનો માટે ગ્રાન્ડ ડિનર રાખવામાં આવશે
શનિ-રવિવારે મેચ યોજાશે: પ્લેયર્સ માટે ઉત્તમ સુવિધા
મીડિયા અને સરકારી વિભાગોની આ ટૂર્નામેન્ટનાં લગભગ તમામ મેચ શનિ અને રવિવાર દરમિયાન રમાશે. દરેક મેચ 20 ઓવરની રહેશે અને ટૂર્નામેન્ટ દરમિયાન પ્રદીપસિંહ જાડેજાનાં નેતૃત્વમાં સ્ટેટ પેનલ અમ્પાયર્સ સેવાઓ આપશે. ટૂર્નામેન્ટ સફળ બનાવવા આયોજકો તુષાર રાચ્છ, કિન્નર આચાર્ય તથા કમિટિ મેમ્બર્સ, કુલદીપસિંહ રાઠોર, ભીખુભાઈ રાઠોડ, કમલેશ ગુપ્તા, નિરવ રાજ્યગુરૂ, કાર્તિક બારડ, રાજુ બગડાઈ અને હાઉઝેટ સ્પોર્ટ્સના સંદીપ ગાંધી જહેમત ઉઠાવી રહ્યાં છે.