10 લાખથી વધુ વૃક્ષો સાથે હરિયાળા મોરબીનું સ્વપ્ન સાકાર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે આજે મોરબીમાં ’નમો વન’નું ભવ્ય લોકાર્પણ થયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઐતિહાસિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂલુભાઈ બેરા, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોજેક્ટ મોરબી પાંજરાપોળ, સદભાવના ટ્રસ્ટ અને વનવિભાગના સંયુક્ત પ્રયાસોથી સાકાર થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે મોરબીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિની નવી લહેર જોવામાં આવી.
’નમો વન’ માત્ર એક બગીચો નહીં, પરંતુ 10 લાખથી વધુ વૃક્ષોનું વન કવચ છે, જે મોરબીના વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરશે અને પર્યાવરણનું સંતુલન જાળવશે. આ પ્રોજેક્ટ પક્ષીઓ અને પ્રાણીઓ માટે આશ્રયસ્થાન પુરું પાડશે, તેમજ સ્થાનિકોને શુદ્ધ હવા અને પ્રકૃતિની વચ્ચે આરામ મેળવવાનું સ્થળ પૂરું પાડશે.
’નમો વન’ પર્યાવરણીય લાભો ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે પણ એક નવું આકર્ષણ બની રહેશે. અહીં લોકો પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણી શકશે અને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બનશે.
સરકાર અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી સાકાર થયેલો આ પ્રોજેક્ટ મોરબી માટે ગૌરવની વાત છે. ’નમો વન’ ભવિષ્યની પેઢી માટે એક અમૂલ્ય ભેટ છે, જે મોરબીને હરિયાળું અને પર્યાવરણપ્રેમી શહેર તરીકે ઓળખ આપશે.