બે કલાકમાં એક ઈંચ ધોધમાર વરસાદ, ભીંજાવા માટે લોકો રસ્તા પર ઉતર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યા બાદ નબળું પડી ગયું હતુ. જો કે આજે ફરીથી ચોમાસું સક્રિય થતાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારા બાદ આજે ધીમીધારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી.
આખો દિવસ વાદળછાયા વાતાવરણ અને બફારા બાદ સાંજના સમયે વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે 5 થી 7 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં એક ઈંચ જેટલો વરસાદ તૂટી પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્ર્યો પણ સર્જાયા હતા.
છેલ્લા ઘણાં સમયથી વરસાદની ચાતકનજરે રાહ જોઈ રહેલા રાજકોટવાસીઓની આતુરતાનો આજે અંત આવ્યો હતો. જેથી સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતાં શહેરીજનો ભીંજાવા માટે રસ્તા પર ઉતરી પડ્યાં હતા. આજે રવિવારની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં લોકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.
ગઇકાલે રાજકોટમાં સાંજે 4.30 વાગ્યા આસપાસ મેઘરાજાનું આગમન થયું હતું. અહીંના યાજ્ઞિક રોડ, ભક્તિનગર સર્કલ આસપાસના વાણીયાવાડી, ગાયત્રી નગર, ગોપાલ નગર, સહકાર મેઈન રોડ ઉપરાંત આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, મવડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું અને બાદમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. ભારે બફારા અને ગરમી વચ્ચે વરસાદ વરસતાની સાથે જ રાજકોટના શહેરીજનો વરસાદમાં ભીંજાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા. બાળકો પણ રસ્તા ઉપર વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સાંજ સુધીમાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જેને લીધે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને અમુક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે પડેલા એક ઇંચ વરસાદ બાદ આજે બીજા દિવસે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે માત્ર એક ઇંચ વરસાદે મનપા તંત્રની પોલ ખોલી નાખી છે અને તંત્રએ કરેલા પ્રિ-મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે. આજે સવારે અલગ અલગ ત્રણ વિસ્તારોમાં બાળકોને તેડવા જતી સ્કૂલ બસ કાદવમાં ફસાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ હજુ પણ રસ્તા પર વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે.
ગઈકાલે સાંજે રાજકોટમાં સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો અને સાંજના સમયે શરૂ થયેલો વરસાદ રાત સુધી ઝરમર ઝરમર વરસતો રહ્યો હતો. શહેરના ત્રણેય ઝોનમાં સાર્વત્રિક કુલ એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. આજે પણ સવારથી રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદ આવે તેવી પૂરી શક્યતા સેવાય રહી છે.
- Advertisement -
રાજકોટ ગ્રામ્યમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનું મોજું
આ ઉપરાંત જસદણના સાણથલીમાં દિવસ ભરના ભારે બફારા બાદ સાંજે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખેડૂતો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાનું આગમન થતાં જ જગતાત ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. વરસાદ વરસતાની સાથે જ સાથે ગ્રામજનોએ ગરમીથી રાહત મેળવી હતી. ધોધમાર વરસાદને કારણે ગામમાં પાણીની નદીઓ વહેવા લાગી હતી. આ સાથે જ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગોંડલના સીમ વિસ્તારમાં મોટા ઉમવાળા, નાના ઉમવાળા, અનિડા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અહીં ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ હતું.