ડોગ શો, બાઈક સ્ટન્ટ પર તલવાર રાસ, તાલીમાર્થીઓની કૃતિથી લોકો અભિભૂત
પોલીસ કમિશનર દ્વારા પરેડ નિરીક્ષણ કર્યા બાદ ક્ષત્રિય સમાજની મહિલાઓએ તલવારબાજી કરી, પોલીસ પરિવારનાં બાળકો દેશભક્તિ રંગે રંગાયાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
74માં ગણતંત્ર દિનની દેશ સહિત રાજ્યભરમાં ઉજવણી થઈ હતી. ત્યારે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક કરતબો એવા હતા કે જેણે સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. દેશભક્તિ સોંગ પર બાળકોનો સાંસ્કૃતિક શો, ડોગ શો, રાયફલ પી.ટી.ની અદભુત કૃતિ, બાઈક સ્ટન્ટ, આતંકવાદી વિરોધી ડેમો સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મહિલા પોલીસ દ્વારા મોટરસાઇકલ પર કરતબ કરવામાં આવ્યું હતું. આ સ્ટંટ દરમિયાન અચાનક મહિલા પોલીસનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. એને પગલે તરત પોલીસકર્મીઓ તેમની સહાયતા કરવા એકઠા થયા હતા, જોકે સદનસીબે મહિલાને કોઈ જાનહાનિ થઈ ન હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ કમિશનર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની મહિલાઓએ તલવારબાજી કરી હતી તો પોલીસ પરિવારનાં બાળકો દેશભક્તિ રંગે રંગાયાં હતાં. આ તકે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટનું યુવાધન ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત થાય એવી અમારી અભિલાષા છે અને એના માટે અમે સતત કાર્યરત છીએ એવું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી.
- Advertisement -
IAS કેતન ઠક્કરના હસ્તે ચૌધરી હાઈસ્કૂલ ખાતે ધ્વજ વંદન
74મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ શહેર કક્ષાના કાર્યક્રમની આન, બાન, શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને અધિક નિવાસી કલેકટર કે.બી.ઠક્કર દ્વારા ચૌધરી હાઈસ્કૂલના મેદાન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ અધિક કલેક્ટરે હોમગાર્ડ, એન.સી.સી ગર્લ્સ પ્લાટુની સલામી લીધી હતી, ત્યાર બાદ તમામ પ્લાટૂનની માર્ચપાસ્ટ યોજાઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સ્કુલના બાળકોએ ઘર મોરે પરદેશિયા, કર હર મેદાન ફતેહ, દેશ મેરે જેવા દેશભક્તિના ગીતો પર રાષ્ટ્રભક્તિ સભર નૃત્યો દ્વારા ઉપસ્થિત સૌ નગરજનોમાં રાષ્ટ્ર ભાવનાનો જોમ અને જુસ્સો ભરી દીધા હતા.
જિલ્લા કક્ષાની ઉજવણીમાં 13 ટેબ્લોનું પ્રદર્શન
રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ધોરાજીના સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. શ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકો પાસે જઈને પ્રજાસત્તાક પર્વનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે પ્રજાસતાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડ અને માર્ચ પાસ્ટમાં હથિયારધારી પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, તથા ટ્રાફિક વોર્ડનના જવાનો, એન. એસ. એસ.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરેડ કમાન્ડર પી. એચ. જાડેજાની આગેવાની હેઠળ કુલ 6 પ્લાટુને ભાગ લીધો હતો. પ્રાદેશિક વાહવ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી તેમજ ગુડ સમરિટન યોજના, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સર્વ શિક્ષા અભિયાન અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, 108 ઈમરજન્સી સેવા સહિતના વિવિધ કચેરીઓના 13 જેટલા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
https://www.youtube.com/watch?v=Wr12M15aSqM