ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી, કુલસચિવશ્રી ડો. રમેશભાઈ પરમાર અને કર્મચારીઓએ સરસ્વતી માતાજીનું પૂજન કર્યું હતું.
- Advertisement -
આ ઉપરાંત, યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુશ્રી ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુખ્ય વહીવટી બિલ્ડીંગમાં સરસ્વતી માતાજીની પ્રતિમા પાસે ગુરુપૂર્ણિમા પ્રસંગે સામૂહિક પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ જણાવ્યું હતું કે, “ગુરુ વંદનાનો અવસર એટલે ’ગુરુપૂર્ણિમા’. ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાન એ જીવન સુધારે છે. આપણી સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા અનાદિકાળથી પ્રસ્થાપિત થયેલી છે. ગુરુ એ આપેલ જ્ઞાન જીવન જીવવાની જડીબુટ્ટી છે. સર્વે ગુરુજનોને વંદન.” આ પાવન અવસર પર કુલપતિશ્રીએ સર્વે વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એક્ઝિક્યુટીવ કાઉન્સિલના સભ્યશ્રીઓ, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામકશ્રી, એકેડેમિક કાઉન્સિલના સભ્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.