ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાશિવરાત્રી મેળો માણ્યો અને જાણ્યો
નાગા સાધુની રવાડીમાં સંસારિક લોકો વધુ પડતા જોવા મળ્યા
ભાવિકો મેળો માણી વતન રવાના, ટ્રેન, બસ અને ખાનગી વાહનોમાં ભીડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય અને દિવ્ય મહાશિવરાત્રી મેળો પાંચ દિવસ સુધી ચાલ્યો જેમાં 9 લાખથી વધુ ભાવિકોએ ભવનાથ મહાદેવના દર્શન કરીને મેળો માણ્યો જયારે મહાશિવરાત્રીના પાવન પર્વે ભાવિકોની ખુબ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી અને નાગા સંન્યાસી સાધુની રવાડી અને ભવનાથ મંદિરમાં આવેલ સાધુનું શાહી સ્નાન આકર્ષણનું કેન્દ્ર હોઈ છે ત્યારે શિવભક્તો ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જોકે પ્રતિવર્ષ ધીરે ધીરે નાગા સાધુની રવાડીમાં સંસારિક લોકો વધતા જાય છે.જેના લીધે બપોરથી રવાડી જોવા બેઠેલા ભાવિકોને ખુબ મુશ્કેલી અનુભવી પડે છે.એ લોકો સંતો – મહંતો અને રવાડી જોવા આવે છે પણ અન્ય સંસારિક લોકો રવાડીમાં ઘુસી જતા ભાવિકો જેના દર્શન કરવા આવ્યા છે તે થતા નથી અગાઉના વર્ષોમાં સંસારિક વ્યક્તિને દૂર કરવામાં આવતા હતા પણ ધીરે ધીરે વધતા જાય છે.
- Advertisement -
મહાશિવરાત્રીની રાત્રે 8 વાગ્યા આસપાસ ગુરુદત્ત મહારાજની પાલખી સાથે ગણેશજીની પાલખી અને ગાયત્રી માતાજીની પાલખીનું પૂજન અર્ચન સાથે નાગા સંન્યાસી સાધુની રવાડી નીકળી હતી જેમાં નાગા સાધુ દ્વારા અંગ કસરતના દાવ અને હર હર મહેદવનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને ભવનાથ તળેટી વિસ્તારના નિયત રૂટ પર ભવ્ય અને દિવ્ય રવાડી નીકળી હતી અને ત્યારે બાદ મધ્યરાત્રિએ રવાડી ભવનાથ મહાદેવના મંદિરે પોહચી હતી અને મૃગી કુંડમાં સાધુ – સંતોના ઇષ્ટદેવ ગુરુદત્ત ભગવાનનું પૂજન અર્ચન સાથે નાગા સંન્યાસી સાધુ સાથે સંતો અને મહંતોએ કુંડમાં અમૃત સ્નાન કર્યું હતું અને ભવનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહાઆરતી બાદ મેળો સંપન્ન થયો હતો.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યા હતા. ગૃહમંત્રીએ ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના પાવન દિવસે દેવાધિદેવ ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે તેમણે રાજ્યની શાંતિ સલામતી, નાગરિકોની ઉત્તરોત્તર પ્રગતિ અને લોકોના ખુશહાલ જીવન માટે પ્રાર્થના કરી હતી.ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ દુનિયાના લોકો ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં સામેલ થવા ખૂબ ઉત્સાહિત હોય છે, આ મેળામાં લાખો ભાવિકો ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, આ સાથે તેમણે લાખો ભાવિકોને મહાશિવરાત્રી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી. ઉપરાંત ખાસ મહાશિવરાત્રીના મેળા દરમિયાન સ્વચ્છતા માટે સતત યોગદાન આપી રહેલા સફાઈ કર્મીઓની સેવાની સરાહના કરતા તેમને વંદન સહ અભિનંદન પણ આપ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્ર, જૂનાગઢ પોલીસ, મહાનગરપાલિકા તંત્રને મહાશિવરાત્રી મેળાના સુચારું આયોજન અને વ્યવસ્થાઓ માટે અભિનંદન આપ્યા હતા.ગૃહ રાજ્યમંત્રીની સાથે ભવનાથ મહાદેવની પૂજામાં સંગઠન મંત્રી રત્નાકર, અગ્રણી ધવલ દવે સહિતના મહાનુભાવો જોડાયા હતા.આ અવસરે ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરી બાપુએ ગૃહ રાજ્ય મંત્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.ગૃહ રાજ્ય મંત્રીએ ભવનાથ ક્ષેત્રમાં જુદા જુદા અખાડા અને આશ્રમો ખાતે સાધુ સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, પ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી, અગ્રણી કિરીટભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા, હરેશભાઈ પરસાણા, મનનભાઈ અભાણી સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભવનાથ મંદિરમાં દર્શન માટે સનાતન ધર્મની પરંપરાઓ તૂટી : ભારે ચર્ચા
- Advertisement -
મહાશિવરાત્રિ મેળો ભવનાથ મહાદેવના સાંનિઘ્યમાં યોજાય છે ત્યારે લાખો શ્રઘ્ધાળુ મેળામાં પધારે છે એવા સમયે ભવનાથ મંદિરના ગર્ભગૃહમાં સનાતન ધર્મની પરંપરા તૂટી હોય તેની ભારે ચર્ચા જાગી છે અનેક અધિકારી પદાધિકારીઓ અને આમ અનેક લોકો બેલ્ટ તેમજ પેન્ટ પહેરીને મહાદેવને જલ ચડાવી દર્શન કર્યા હતા. સનાતન ધર્મમાં મહાદેવના ગર્ભગૃહમાં ધોતી, જભ્ભો પહેરીને મહાદેવની પૂજા થાય છે ત્યારે ભવનાથ મંદિરે સવારથી જાણે કોઇ કહેવાવાળુ ન હોય તેમ લોકોએ ગમે તેવા વસ્ત્રોમાં ગર્ભગૃહમાં જઇને દર્શન કર્યા હતા. જ્યારે બીજી તરફ સોમનાથ મહાદેવની વાત કરીએ તો ગર્ભગૃહમાં રાષ્ટ્રપતિ કે, પ્રધાનમંત્રીને પણ પ્રવેશ અપાતો નથી અને ગર્ભગૃહ બહાર બેસીને ભોળાનાથનું પૂજન અર્ચન અને મહા આરતી કરવામાં આવે છે. ત્યારે ભવનાથ મંદિરે મહાદેવના નિયમો વિરૂઘ્ધ કેટલાય લોકોએ પરંપરા તોડીને દર્શન કર્યા હતા. જેની લોકોમાં ભારોભાર રોષ જોવા મળે છે.



