‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ દિવેલીયામાં સ્લજ નાશ કરવાની જગ્યાએ રાતોરાત રેતી કપચી નખાઈ
કુચિયાદળમાં આવેલી પોલીફાઈબર કંપનીએ પ્રદૂષણ ફેલાવ્યા ઉપરાંત સરકારી જગ્યામાં દબાણ કર્યું, મજૂરોને રહેવા માટે કંપનીની બાજુમાં જ ગેરકાયદે ઓરડી બનાવી નાંખી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પાસે આવેલા કુચિયાદળ ગામ નજીક ઈન્ડિયા પેલેસ હોટલની પાછળ એક પોલીફાઇબર કંપની નામની કંપની આવેલ છે જે કંપની વર્ષોથી પ્રદૂષણ ફેલાવી રહી છે. આ કંપની દ્વારા રાત્રીના અંધકારમાં ફળદ્રુપ જમીનોમાં સ્લજવાળું પાણી ઠાલવવામાં આવે છે, આ સ્લજવાળું પાણી ફળદ્રુપ જમીનમાં ઠાલવવાથી જમીનની ગુણવત્તા નો નાશ થાય છે. કંપની દ્વારા જે પ્રકારે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તે એક ગંભીર પ્રકારનો ગુનો ગણાય છે, આવી પ્રવૃત્તિઓ કરવા બદલ કરોડો રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે તેમજ જે તે કંપનીને ક્લોઝર પણ મળી શકે છે તેમ છતાં મોટા માથાઓના આશીર્વાદથી આવા પ્રદૂષણ ફેલાવનારાઓ ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.
જી.પી.સી.બીના અધિકારીઓના આશીર્વાદથી આવા પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. જો જી.પી.સી.બીના અધિકારીઓને દાનત હોય તો ‘ખાસ-ખબર’ના અહેવાલ પરથી કંઈક પગલાં ભર્યા હોત પણ જી.પી સી.બીના અધિકારીઓની આ મામલે કાર્યવાહી શૂન્ય હોય તેવું લાગી રહ્યું છે તેમજ આ ફેક્ટરી કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે અને પોલીસ સ્ટેશનની નજીક જ સ્લજ ઠાલવે છે તેમ છતાં પોલીસ અધિકારીઓ પણ કોઈ પગલાં લઈ રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, કુચિયાદળ પાસે આવેલી એક પોલીફાઈબર કંપની દ્વારા ફેલાવવામાં આવતા ભયંકર પ્રદૂષણ અને ગેરકાયદેસર દબાણોનો મામલો હવે ગરમાયો છે. ’ખાસ ખબર’ના અહેવાલ બાદ હરકતમાં આવવાને બદલે કંપની સંચાલકોએ પુરાવા નાશ કરવાની કામગીરી શરૂ કરી છે, જ્યારે જવાબદાર તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. બીજી તરફ દિવેલીયા વિસ્તારમાં કંપની દ્વારા ઝેરી સ્લજ (કેમિકલયુક્ત કચરો) ઠાલવવામાં આવ્યો હતો. આ ગંભીર પ્રદૂષણ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા જ કંપનીએ સ્લજનો નિકાલ કરવાના બદલે તેના પર રાતોરાત રેતી અને કપચી નખાવી દીધી છે.
પોલીફાઈબર કંપની માત્ર પ્રદૂષણ જ નથી ફેલાવી રહી, પરંતુ સત્તાના જોરે સરકારી જમીનો પર પણ કબજો જમાવી રહી છે. કંપનીની બાજુમાં જ મજૂરોને રહેવા માટે કોઈ પણ મંજૂરી વગર ઓરડીઓ તાણી દેવામાં આવી છે. કંપનીના માલિકો દ્વારા આસપાસની સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યું હોવાની રાવ ઉઠી છે. મોટા માથાઓના ઓથ નીચે ચાલતી આ કંપની સામે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો પ્રદૂષણ અને જમીન પચાવી પાડવાના અનેક કૌભાંડો બહાર આવે તેમ છે.



