‘ભારતીય સેનાનો પ્રહાર, આતંકવાદનો થયો સંહાર’
બ્રહ્મોસ-તેજસ મિસાઈલ, ચેતક હેલિકોપ્ટર, મિલિટરી ટેન્ક સહિત સૈનિકોના સાહસ અને શૌર્યની ઝાંખી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
ભક્તિ અને સંસ્કૃતિના ઉત્સવ ગણેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત પંડાલોમાં દૂંદાળા દેવની આરાધના ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ અલગ અલગ મંડળો દ્વારા ‘સ્વચ્છતા’, ‘ઓપરેશન સિંદૂર’ સહિતની વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યાં છે. વેરાવળ ટાવર ચોક ખાતે ગોવાળિયા ગ્રુપ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર ‘ટાવર ચોકના લાલ’ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ‘ઓપરેશન સિંદૂર’ની થીમ આધારિત તૈયાર કરાયેલા આ મંડપમાં ગોવાળિયા ગૃપ દ્વારા સાત ફૂટની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ પંડાલમાં વિવિધ ફ્લોટ્સના માધ્યમથી નાગરિકોને ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત ભારતીય સૈનિકોએ દર્શાવેલા અદમ્ય સાહસ અને શૌર્યની ઝાંખી જોવા મળી હતી. ગોવાળિયા ગૃપ દ્વારા તૈયાર કરાયેલા આ પંડાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને ગણપતિ બાપ્પાના બેકગ્રાઉન્ડમાં દર્શાવાયાં હતાં. જ્યારે ભારત માતાની તસવીર સમક્ષ અને સમગ્ર પંડાલમાં ઠેર-ઠેર સિંદૂરયુક્ત પાત્ર, ઉચ્ચ ઉંચાઈવાળા દુર્ગમ બર્ફીલા પહાડોવાળા વિસ્તારોની પ્રતિકૃતિ, બ્રહ્મોસ-તેજસ મિસાઈલ, ચેતક હેલિકોપ્ટર, મિલિટરી ટેન્ક સહિત ભારતીય મિલિટરી દ્વારા ઉપયોગમાં લેવાતા પરિવહનના સાધનો પણ દર્શાવાયાં હતાં. સમગ્ર પંડાલમાં ‘ભારતીય સેનાનો પ્રહાર, આતંકવાદનો થયો સંહાર’ ‘વિશ્વએ જોયું ભારતનું બળ, ઓપરેશન સિંદૂર થયું સફળ’, ‘ભારતીય સેનાનું પરાક્રમ, ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન’, ‘ગોતી ગોતીને માર્યા છે, બદલો હવે ઉતાર્યો છે’, ‘સુદર્શન ચક્ર ચલાવ્યું છે, પાકિસ્તાન હાર્યું છે’, ‘શૌર્ય હમારી શાન હૈ, ભારત હમારી જાન હૈ’ જેવા વિવિધ બેનર્સના માધ્યમથી દેશદાઝસભર સૂત્રો પણ દર્શાવવામાં આવ્યાં હતાં.
ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, લોકો ફ્લોટ્સ સાથે સેલ્ફી પણ પડાવતા જોવા મળ્યા
અમારા ગોવાળિયા ગૃપ દ્વારા પંદર વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે. દર વર્ષે અમારા ગૃપ દ્વારા અલગ અલગ થીમ પર સજાવટ કરવામાં આવે છે. આ વર્ષે અમે સરહદ પર અનેક યાતનાઓ વેઠી અને સામાન્ય નાગરિકોની રક્ષા કરતા આપણા વીર જવાનોના સાહસ અને વીરતાને બીરદાવવા માટે ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર પંડાલ તૈયાર કર્યો હતો. અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો ફ્લોટ્સ સાથે સેલ્ફી પણ પડાવતા જોવા મળ્યા હતાં. જેથી અમારા ગૃપના તમામ સભ્યની મહેનત સફળ થઈ હોય એવું લાગતું હતું. મયૂર ચુડાસમા (સભ્ય – ગોવાળિયા ગૃપ)