ધાર્મિક સરઘસો, મેળાવડાના સ્થળે વીડિયોગ્રાફીનું સરકાર વિચારે છે કે નહીં?
તહેવારોની ઉજવણીમાં શાંતિભંગ કરનારા સામે પગલાં : હાઇકોર્ટે જવાબ મંગાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
થોડા સમય પહેલા રામનવમીના તહેવાર સમયે, રાજ્યમાં વડોદરા સહિતના અન્ય કેટલાક સ્થળોએ પત્થરમારા અને તોફનોની ઘટના બાદ, આવનારા તહેવારોમાં નીકળનાર શોભાયાત્રા, સરઘસ કે જુલુસ સમયે, કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને જવાબદારો સામે કડક પગલા લેવાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, લોકોની સુરક્ષાને લઈને ક્યાં પ્રકારના પગલા ભરવામાં આવે છે અને શું કાર્યવાહી કરાય છે, તે અંગે 20 એપ્રિલ સુધીમાં જવાબ આપો. આવનારા દિવસોમાં રમજાન ઈદ અને પરશુરામ જયંતિ આવી રહી છે, ત્યારે સુરક્ષાને અનુલક્ષીને સરકારે શું પગલા લઈ રહી છે ? તે અંગે કહો. હાઈકોર્ટે રાજ્ય સરકારને એ પણ પ્રશ્ન કરેલો કે સરઘસ, રેલી કે આ પ્રકારના મેળાવડા સમયે નિશ્ચિત સ્થળો પર વિડીયોગ્રાફી કરવા માટે સરકારનુ આયોજન શું છે ? આ સમયે, સરકારની રજૂઆત હતી કે રાજ્યમાં વિવિધ સ્થળો પર અસંખ્ય સરઘસો અને રેલીઓ નીકળતી હોય છે, દરેકની વિડીયોગ્રાફી કેવી રીતે કરી શકાય ?
સુનાવણી દરમિયાન, અરજદારની રજૂઆત હતી કે, રાજ્યમાં કોઈપણ તહેવાર કે ધાર્મિક પ્રસંગોની શોભાયાત્રા, સરઘસ-જુલુસ દરમિયાન અસામાજિક તત્વો અટકચાળો કરે છે અને તોફનોની ઘટનાઓ સામે આવી રહી છે.
રાજ્ય સરકારના સત્તાધીશો અને પોલીસ તંત્ર આવા લોકોને અંકુશમાં લેવા માટ યોગ્ય પગલા કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી શક્યુ નથી. જેના લીધે, નિર્દોષ લોકો હેરાન થાય છે અને જાહેર મિલકતોને નુકસાન થાય છે. જેથી, આ પ્રકારની ઉજવણી કે સરઘસો સમયે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે.