ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ફરી એકવાર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મહિલા કુશ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. બીજી તરફ, બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોની તપાસના સંદર્ભમાં, તેમના સાથીદારો અને ઉત્તર પ્રદેશના ગોંડા સ્થિત તેમના ઘરે કામ કરતા લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
વિરોધ કરી રહેલા કુસ્તીબાજોમાં સાક્ષી અને બજરંગે 3 જૂનની રાત્રે ગૃહમંત્રી અમિત શાહ સાથે લાંબી મુલાકાત કરી હતી. આ પછી જ અમુક કુશ્તીબાજોએ તેમની સરકારી નોકરીમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ બેઠક બાદ અનુરાગ ઠાકુરનું નિવેદન આવ્યું છે. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અનુરાગ ઠાકુર વિરોધ કરી રહેલા રેસલર્સને મળી ચૂક્યા છે. તેમણે ટ્વિટ કર્યું, “સરકાર કુશ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે.”
- Advertisement -
જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુશ્તીબાજોના વિરોધ અંગે પૂછવામાં આવ્યું ત્યારે મંત્રીએ કહ્યું કે તેઓ પહેલેથી જ કહી ચૂક્યા છે કે ખેલ અને ખેલાડી સરકારની પ્રાથમિકતા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, સરકારે પહેલાથી જ (સિંઘ સામેના આરોપોની તપાસ માટે) એક સમિતિની રચના કરી છે. પોલીસ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.