ખાનગી શાળા સંચાલક મંડળની FRC કમિટીની નાબુદીની માંગ બાબતે કોંગ્રેસના પ્રવક્તાનુ નિવેદન…
આ માંગનો સીધો મતલબ સમગ્ર પ્રક્રિયા માત્ર ફોર્મલિટી હતી, સંચાલકો કમિટિના ભ્રષ્ટ નીતિરીતિથી કંટાળ્યા: નવા નીતિનિયમો બનાવવા માંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં રાજ્યના 4 ઝોનમાં ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી.રાજ્ય સરકારના પ્રાથમિકમાં 15 હજાર, માધ્યમિકમાં 27 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.30 હજારના ફી નિયત કરી હતી.
હાલ રાજકોટ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીમાં ચેરમેન અને શિક્ષણવિદ સિવાયના 3 સભ્યોની જગ્યા છેલ્લા 3 માસથી ખાલી છે, ત્યારે હવે ફી રેગ્યુલેશન કમિટી નાબૂદ કરવા માટે શાળા સંચાલકોની માગ ઉઠી છે. દરમિયાન રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ટકાવારી મુજબ ફિક્સ ફી વધારો કરવા માટે સૂચન કર્યુ છે.
આ બાબતે વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહીતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા જ અમે મતલબ વગરની ફી નીધારણ કમિટીનુ વિસર્જન કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી અને આ બાબતે અમે ગુજરાત વિધાનસભામાં ખાતે જઈ કોંગ્રેસના નેતાઓને આ ગંભીર બાબતોનું ધ્યાન દોરી સરકારને રજુઆત કરવા માંગ કરી હતી.તેઓએ જણાવ્યું હતું કે આ કમિટી સ્કૂલોને ગમે એટલી ફી ઉઘરાણા કરવા માટેનું પરવાનો આપતી હતી જેથી વિદ્યાર્થીઓના વાલીઓ ફી વધારાનો વિરોધ કરી શકતા હતા નોહતા.
ફી રેગ્યુલેશન કમિટી જે તે શાળાનું બિલ્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજી સહિતની બાબતોમાં ડોક્યુમેન્ટ્સને આધારે શાળાની ફી નક્કી કરતી હોય છે જેથી સ્કૂલોને ફી વધારો કરવા માટે મોટા ખોટા ખર્ચાઓની માહિતીનો રિપોર્ટ આપી, કમિટીમાં પૈસા ખવડાવ્યા બાદ જ વધારો મળતો હતો.
તેઓએ જણાવ્યું હતુ કે સ્કૂલ સંચાલકો આ કમિટીની ભ્રષ્ટ નીતિરીતિથી કંટાળ્યા બાદ હવે સમજાયા બાદ માંગ કરવા નીકળ્યા છે. આ માંગ સીધો મતલબ એ થયો કે આ કમિટીમાં કરવી પડતી પ્રક્રિયા માત્ર દેખાડો (ફોર્માલિટી) હતી અને જે સ્કૂલ જેટલો ફી વધારો માંગતી એટલો મંજુર કરી જ દેતી હતી. વિધાનસભામાંથી જે વિદ્યેયક જનહિત માટે પસાર થયુ હોય અને નવો કાયદો બનાવેલો હોય અને તે આ રીતે મતલબ વગરનો નીકળે તો રાજ્યના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકારે છેડા કર્યા તે શરમજનક છે.
રાજ્યના વાલીઓને આટલા વર્ષ ગેરમાર્ગે દોરી સ્કૂલોને ફીની ઊંઘાડી લૂંટ ચલાવવા મંજૂરી આપીને હવે આ તમામ કમિટીઓને રગડધગડ પડતી મૂકી દેવી કેટલી યોગ્ય ? તેઓએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર આ કમિટીની તત્કાલ નાબુદી કરી અન્ય રાજ્યોના એજ્યુકેશન મોડલ અનુસરીને સ્કૂલોમા ફી વધારા માટે કોઈ પારદર્શકતાભર્યા ચોક્કસ નિયમો અને પોલીસી બનાવે. જે નિયમો એવા હોવા જોઈએ કે કોઈ શૈક્ષણિક સંસ્થાના નામે વેપલો કરી ના શકે,ભ્રષ્ટચારવિહીન આ વહીવટી પ્રક્રિયા હોય,શિક્ષણમાં સમાનતા જળવાઈ રહે અને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનો બાળક ઉચ્ચ કવોલિટીનુ શિક્ષણ મેળવી શકે તેવા કોઈ નવા નિયમો બનાવવા જોઈએ તેવુ તેની યાદીમાં જણાવ્યું હતું.