વાહનચાલકોને ઝંઝટમાંથી મુક્તિ આપવા માટે કેન્દ્ર સરકાર આગામી વર્ષથી ટોલનીતિમાં વધુ કેટલાંક બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. ટોલ પેમેન્ટ પ્રક્રિયા જ બદલશે અને જીપીએસ આધારિત થશે એટલુ જ નહીં વાહનની સાઈઝના આધારે વસુલાશે.
નવી ટોલ પોલીસીમાં વાહન દ્વારા કેટલા સમયમાં કેટલું અંતર કાપવામાં આવ્યુ તેને પણ લક્ષ્યમાં લેવામાં આવશે. તેના આધારે વાહનની સાઈઝની ગણતરી કરી લેવાશે. રસ્તા પર આ વાહન કેટલી જગ્યા રોકે છે તેની પણ ટોલદર નકકી કરવામાં ગણતરીમાં લેવાશે. માર્ગ પર વાહનના વજનથી પડનારા બોજની પણ ગણતરી થશે.
- Advertisement -
કેન્દ્ર સરકારના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે આઈઆઈટીને નવી ટોલનીતિની રૂપરેખા તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. સરકાર દ્વારા હજુ કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. આઈઆઈટીના એક સીનીયર અધિકારીએ ટોલ પ્રોજેકટ માટે સરકાર સાથે કરાર થયાનુ સ્વીકાર્યુ હતું.
સુચિત નીતિમાં ટોલટેકસ નકકી કરવા માટે વાહનના વજનને પણ ગણતરીમાં લેવામાં આવનાર છે. હજુ સુધી પ્રોજેકટ પર કામ શરૂ કરાયુ નથી પરંતુ આઈઆઈટી સરકારને ટોલ વસુલીમાં શકય બદલાવના વિવિધ વિકલ્પો સુચવશે.
સૂત્રોના કહેવા પ્રમાણે નાના વાહનો તથા ટુંકા અંતરની મુસાફરીમાં વાહનચાલકોને ઘણો લાભ-રાહત થશે. વર્તમાન નિયમમાં અંતર આધારિત ટોલ ટેકસની જોગવાઈ છે એટલે ઓછા અંતરની મુસાફરી છતાં ટેકસ બોજ વધુ હોય છે. 5થી માંડીને 7 સીટર વાહનો માટે પણ સમાન દર છે તેમાં પણ બદલાવ થશે.