ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના અભિયાનને તેજીથી આગળ વધારી રહ્યા છે. તેમણે આજે વર્ચ્યુઅલી પ્રાકૃતિક કૃષિ સંદર્ભેના વક્તવ્યમાં ખાસ કરીને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં કેવી રીતે પ્રાકૃતિક ખેતી ફાયદા રૂપ થાય છે. તે જણાવતા કહ્યું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં અળસિયા એક દિવસમાં જમીનમાં 40 જેટલા છિદ્રો કરે છે. જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરી જાય છે અને જમીનનું ધોવાણ થતું અટકે છે.
આ સંબોધનમાં રાજ્યપાલે શિક્ષકોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો.જેથી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત થાય. ઉપરાંત રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના જુદા જુદા આયામોની છણાવટ કરી હતી.જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા વગેરે સ્થળોએ શિક્ષકો ખેડૂતોએ રાજ્યપાલશ્રીનું પ્રાકૃતિક કૃષિ સંદર્ભેનું વક્તવ્ય સાંભળ્યું હતું. ઉપરાંત ડિજિટલ મીડિયાના માધ્યમથી પણ રાજ્યપાલનું માર્ગદર્શન મેળવ્યું હતું.જૂનાગઢ જિલ્લામાં આત્મા, ખેતીવાડી સહિતના વિભાગના અધિકારી-કર્મચારીઓએ રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન વર્ચ્યુઅલી લોકો સુધી પહોંચે તે માટે જરૂરી સંકલન કર્યું હતું.