સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને રાત્રિ રોકાણ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે પધાર્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે પ્રથમ પ્રાથમિક શાળાના પટાંગણમાં એક પેડ મારો નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું અને ગામમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થયા. ત્યારબાદ તેમણે બગોયા પ્રાથમિક શાળાની મુલાકાત લઈને શાળાની સુવિધાઓ નિરીક્ષણ કરી અને બાળકો તથા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.
- Advertisement -
રાજ્યપાલે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અપનાવવી આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે અને પર્યાવરણ માટે ખતરનાક નાઇટ્રસ ઓક્સાઈડ જેવા ગેસનું પ્રમાણ વધી રહ્યું છે. તેમણે ગ્રામજનોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કર્યા અને આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે તેને અનિવાર્ય ગણાવી.
બગોયા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલે અનુસૂચિત જાતિના પરિવાર સાથે પણ સમય વિતાવ્યો હતો અને રમેશભાઈ વાઢેરના ઘરે જઈને પરિવારની જેમ ગુજરાતી ભોજનનું સ્વાદ ગ્રહણ કર્યું હતું. રાજ્યપાલે બગોયા પ્રાથમિક શાળાના સામાન્ય રૂમમાં રાત્રિ રોકાણ કરીને ગામ સાથેની તેમની આત્મીયતા દર્શાવી હતી. તેઓએ ગ્રામજનોને ઘરની સાથે આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવાની અપીલ કરી અને સ્વચ્છતા થકી સમ્માન વધે છે તેવો સંદેશ આપ્યો હતો. તેમણે પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણને ઈશ્વરીય વ્યવસ્થાને સહયોગરૂપ ગણાવ્યું હતું. આ સમગ્ર મુલાકાત દરમિયાન સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, પ્રાંત અધિકારી ઝેડ.વી. પટેલ, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



