નબળી કાર્યક્ષમતાવાળા કર્મચારીઓ પર વય નિવૃત્તિની લટકતી તલવાર કોર્પોરેશનના 50થી વધુ ઉંમરના કર્મીઓને વહેલા નિવૃત્ત કરવાની સરકારની તૈયારી, ત્રણ વર્ષથી વધુ એક જગ્યાએ નહીં રહી શકે
કોઈ પણ અધિકારીને એક પોસ્ટ પર ત્રણ વર્ષથી વધુ ન રાખવા
50થી 55 વર્ષની ઉંમરના કર્મીઓની કાર્યક્ષમતાનો રીવ્યૂ કરવો
ટેન્ડર પ્રક્રિયામાં ચાલતી ગરબડો હટાવી, પ્રોસીજર પારદર્શક બનાવવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં બે વર્ષમાં બનેલી શ્રેણીબદ્ધ દૂર્ઘટનાઓ અને રાજકોટના અગ્નિકાંડ પછી જ્યારે હાઇકોર્ટે સરકારને ઢીલી કામગીરી માટે ખખડાવી છે ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ટેન્ડર અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા જોઇએ તેવી ટ્રાન્સપરન્ટ અને મજબૂત નથી. તેના માટે સરકારે એક નવો જ નિર્ણય કર્યો છે. જેમાં 50થી વધુ ઉંમરના એડમિનિસ્ટ્રેટિવ કર્મચારીઓ પર કામ કરવાની ક્ષમતાના માપદંડ પર વહેલા નિવૃત્ત કરી દેવાની તલવાર લટકાવી દીધી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરતા એવું પણ કહ્યું છે કે ત્રણ વર્ષથી વધુ કોઈ પણ કર્મચારીને એ જ સ્થળના પોસ્ટિંગ પર ના રાખવા અને બદલી કરી દેવી. આ ઉપરાંત ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક બનાવવા પણ તૈયારી થઈ રહી છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા બાદ હાઇકોર્ટે સુઓમોટો કરી હતી અને સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. તેની સાથે હરણી બોટકાંડમાં કે 14 લોકો ડૂબી ગયા હતા તેમાં પણ સ્થાનિક તંત્ર સામે સવાલો ઊભા થયા હતા અને કોર્ટ સુઓમોટો કરી હતી. ત્યાર પછી કોર્ટે સરકારને ટકોર કરી હતી કે ટેન્ડર આપવામાં લાલિયાવાડી ચાલી રહી છે અને તેને રોકવા સરકારને સૂચના આપી હતી.
રાજકોટ અગ્નિકાંડ પર ચાલી રહેલી સુનાવણીમાં અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્ર્વિની કુમાર દ્વારા કોર્પોરેશન અને પગલાં લેવા બાબતે રિપોર્ટ ફાઇલ કર્યો છે. આ રિપોર્ટમાં સૂચન કર્યું છે કે, 50 થી 55 વર્ષના અધિકારીઓની કાર્યક્ષમતાનો રિવ્યૂ થવો જોઈએ અને જરૂર લાગે તો તેમને વહેલાસર સેવા નિવૃત્ત કરી દેવા જોઈએ. આ સાથે આ રિપોર્ટમાં એવું પણ સૂચવ્યું છે કે નિયમિતપણે સ્ટાફની ટ્રાન્સફર થવી જોઈએ અને કોઈપણ અધિકારીને એક પોસ્ટ ઉપર ત્રણ વર્ષથી વધુ કોર્પોરેશનમાં ના રાખવા જોઈએ.
- Advertisement -
સરકારે સ્વીકાર્યું છે કે કોર્પોરેશન દ્વારા ટેન્ડર આપવામાં કોઈ સ્ટાન્ડર્ડ જળવાતાં નથી અને જે પ્રોસેસ કોર્પોરેશન ફોલો કરે છે તે રાજ્ય સરકાર કરતાં જુદી છે. તેની સાથે સાથે એમ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે નવી સિસ્ટમ બનાવવાની જરૂર છે અને એ સાથે જેટલી પણ પરમિશન આપવામાં આવે છે તેને પણ નવી રીતે જોવી જરૂરી છે. કોર્પોરેશનના કર્મચારીઓને વહેલાસર વય નિવૃત્ત કરી દેવાની વાત સાથે સરકારે એમ પણ કહ્યું છે કે ઘણી બધી ખાલી પોસ્ટ ભરવાની જરૂર છે. આમ મોરબી, વડોદરા અને રાજકોટમાં બનેલી આ દુર્ઘટનાઓ બાદ સરકારે હવે નક્કી કર્યું છે કે, પીપીપી ધોરણે આપવામાં આવતા કોન્ટ્રાક્ટ માટે કોર્પોરેશને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડે બનાવેલી ગાઇડલાઇન્સ ફોલો કરવી પડશે, એ સાથે જ રેગ્યુલર કોન્ટ્રાક્ટ કરવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને જે મોડલ તૈયાર કર્યું છે તે ફોલો કરવાનું રહેશે.
રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં બનેલી દૂર્ઘટના
18 જાન્યુઆરી, 2024 ગુરુવારની એે સાંજે હરણી લેક ઝોનમાં 12 બાળક સહિત 14એ જીવ ગુમાવ્યા હતા. આ કેસની તપાસ માટે પોલીસે ઉચ્ચ અધિકારીઓની જઈંઝ બનાવી હતી. બોટ દુર્ઘટનાકાંડમાં મુખ્ય આરોપી પરેશ શાહ છે. પરેશ શાહ લેકઝોન ચલાવતો હતો અને પોતાનાં સગાં-સંબંધીઓને પણ લેકઝોનમાં પાર્ટનર બનાવ્યાં હતાં. આ કેસમાં 20 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે પુરાવાઓ હોવાથી 124 પાનાંની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી તેમજ ચાર્જશીટ સાથે જોડવામાં આવેલા પુરાવાના 2795 પાનાં મળી કુલ 2819 પાનાંની ચાર્જશીટ વડોદરા કોર્ટમાં રજૂ કરાઈ.
30 ઓક્ટોબર, 2022ના રોજ મચ્છુ નદી ઉપર આવેલો મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતાં બાળકો, મહિલાઓ સહિત કુલ 135 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જેમાં 10 આરોપી સામે ઈંઙઈની કલમ 304, 308, 336, 337, 338, 114 મુજબ ગુનો નોંધાયો હતો. એમાં ઓરેવા કંપનીના ઈખઉ જયસુખ પટેલ, ઓરેવાના બે મેનેજર દિનેશ દવે અને દીપક પારેખ, બ્રિજ રિપેર કરનારા દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર અને પ્રકાશ પરમાર ઉપરાંત ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, જેમાંથી 9 આરોપીને હાઈકોર્ટ અને જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.
25 મે, 2024ના રોજ રાજકોટના સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 27 મૃતદેહ મળ્યા હતા. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ ઉગઅ રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.