સામાન્ય લોકોને આવકના પાંચ ટકા નાણાં સ્વાસ્થ્ય માટે વાપરવા પડે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આગામી મંગળવારે બજેટ રજુ કરવાના છે તે પુર્વે અનેકવિધ આશાવાદ-અટકળો પ્રવર્તી રહ્યા છે ત્યારે આરોગ્ય સેવાઓ માટે કોઈ મોટી ફાળવણી કરે છે કે કેમ તેના પર મીટ છે. આરોગ્ય સેવા અસરકારક હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે બજેટમાં જીડીપીના એક ટકાની પણ ફાળવણી થતી નથી. લોકોને સરેરાશ આરોગ્ય ખર્ચ આવકના પાંચ ટકા છે જયારે સરકાર માત્ર 0.3 ટકાની જ ફાળવણી કરે છે.લોકો પોતાની વાર્ષિક આવકના 5 ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે તેથી લોકોને આશા છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન આ વર્ષે સામાન્ય બજેટમાં આરોગ્ય સુવિધાઓ માટે વધુ નાણાં ફાળવે અને આયુષ્માન ભારત યોજના હેઠળ જે હાલ 5 લાખ સુધીની સહાય મળે છે તેને વધારીને રૂ. 10 લાખની કરવી જોઈએ સાથે ક્લાઈમેટ ચેન્જથી ઉદ્ભભવતા પડકારો જેવા કે નાની ઉંમરે આવતા હાર્ટ એટેક, વાઈરસથી થતાં રોગો પર ધ્યાનમાં રાખીને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા યોગ્ય પગલાં લેવા જરૂર છે.
હેલ્થકેર ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો એમ પણ કહે છે કે નાણાપ્રધાને દૂરના વિસ્તારો માટે મજબુત હેલ્થકેર નેટવર્કની વ્યવસ્થા કરવી જોઈએ અને હેલ્થકેર ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન મળી શકે. હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસના એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. વી એસ અજયકુમારે જણાવ્યું હતું કે, ’આરોગ્ય સંભાળ માટે જીડીપીની વધુ ટકાવારી ફાળવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. આ બજેટમાં આયુષ્માન ભારત જેવી યોજનાઓ પર ફોકસ અને સબસિડીવાળી સારવાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ગુણવત્તાયુક્ત સારવાર પર વધુ ભાર મૂકવો જોઈએ. વીમો પણ વધારવો જોઈએ. તેનાથી લોકોને કેન્સર જેવી જટિલ બીમારીઓમાં મદદ મળી શકે છે.
ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર અને ઈન્ડસ્ટ્રી લીડર જયદીપ ઘોષે જણાવ્યું હતું કે, ’દૂરના વિસ્તારોમાં હેલ્થકેર માટે નર્સો અને સપોર્ટ સ્ટાફની તાલીમ માટે ભંડોળ પૂરું પાડવું જરૂરી છે. સારવાર માટેની અદ્યતન તકનીકોનો પણ આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ થવો જોઈએ, જે આઇઆરડીએઆઇ માર્ગદર્શિકામાં માન્યતા પ્રાપ્ત છે. એસીકેઓ રિટેલ હેલ્થના વરિષ્ઠ વીપી રુપિન્દરજીત સિંહે જણાવ્યું હતું કે, ’સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી છે તેને ઘટાડવું જોઈએ. સ્વાસ્થ્ય વીમા પ્રિમીયમને ધ્યાનમાં રાખીને, 80 સી હેઠળ કપાત મર્યાદા વધારવી જોઈએ. આયુષ્માન ભારત યોજનામાં કવરેજ રૂ.5 થી વધારીને રૂ. 10 લાખ કરવું જોઈએ કારણ કે દેશમાં હેલ્થકેર નેટવર્કોમાં ફુગાવો 15 ટકાનો છે. ઈન્દિરા આઇવીએફના સીઈઓ ડો. ક્ષિતિજ મુરડીયાએ જણાવ્યું હતું કે, અનુમાન છે કે લગભગ 3.3 કરોડ કપલ જીવનભર વંધ્યત્વનો સામનો કરી રહ્યાં છે. આયુષ્માન ભારત યોજના હેઠળ વંધ્યત્વની સારવારનો પણ સમાવેશ થવો જોઈએ. ડ્રગ રિહેબિલિટેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને કોસ્મેટિક પ્રક્રિયાઓને પણ આ યોજના હેઠળ આવરી લેવી જોઈએ. આરોગ્ય બજેટ દેશના જીડીપીના માંડ 0.3 ટકા છે. વર્ષ 2025 ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રૂ. 90658 કરોડની ફાળવણી કરી હતી, વર્ષ 2024 માં રૂ. 80517 કરોડ હતી. વર્ષ 2024 માં, આરોગ્ય બજેટ દેશના જીડીપીના 0.27 ટકા હતું. વર્ષ 2023 માં તે 0.28 ટકા હતું. કોવિડના વર્ષે 2021 માં 0.41 ટકા હતું , છેલ્લા દાયકામાં આ આંકડો લગભગ 0.3 ટકાની આસપાસ જ રહ્યો છે.
મેડીબડીની સેવાઓ લેતી લગભગ 1000 કંપનીઓના કર્મચારીઓના સર્વેક્ષણમાં 71 ટકા કર્મચારીઓ તેમની વાર્ષિક આવકના સરેરાશ 5 ટકા આરોગ્ય પર ખર્ચ કરે છે.