અભ્યાસ છોડીને કલાકો સુધી બાળકોને ગરમીમાં બેસાડી રખાયા, નેતાઓ માટે જમણવાર અને એ.સી.ની સુવિધા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુરુવારે યોજાયેલા મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવના કાર્યક્રમમાં, ઓછી ભીડના કારણે સરકારી તંત્ર દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસના સમયે જ બોલાવીને પ્રેક્ષક તરીકે બેસાડી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાએ મોરબીમાં ભારે ચર્ચા જગાવી છે.
આ કાર્યક્રમમાં લાખોના ખર્ચે મંડપ, ખુરશી, સોફા અને જમણવારનું આયોજન થયું હતું, પરંતુ ભીડ ભેગી કરવા માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો. નેતાઓ મોડા આવતા બાળકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. આશ્ચર્યજનક રીતે, વીઆઈપી મહેમાનો માટે જમણવાર જ્યાં રાખવામાં આવ્યો હતો, ત્યાં કોઈ હાજર ન હોવા છતાં પંખા ચાલુ રાખવામાં આવ્યા હતા. બાળકોને અંતમાં ભોજનના નામે માત્ર ભજીયા અને છાશ આપીને રવાના કરી દેવામાં આવ્યા હતા.
સરકારી કાર્યક્રમમાં બાળકોના અભ્યાસનો ભોગ લઈ, તેમને ગરમીમાં બેસાડવાની આ ઘટના સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રના આવા વલણ સામે અનેક સવાલો ઊભા થયા છે.
- Advertisement -
બાળકોને ગરમીમાં બેસાડી રખાયા
આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા અને સ્થાનિક ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના હતા. કાર્યક્રમ 11 વાગ્યે શરૂ થવાનો હતો, પરંતુ તેના એક કલાક પહેલા જ બાળકોને બોલાવીને ખુરશીઓમાં બેસાડી દેવાયા હતા. જ્યાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા ત્યાં પંખા કે કુલરની કોઈ વ્યવસ્થા ન હતી, જેના કારણે બાળકો ગરમીમાં બફાઈ રહ્યા હતા. જ્યારે સ્ટેજ પર નેતાઓ માટે બે કુલર અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાંસદ પરસોતમ રૂપાલાએ વૃક્ષારોપણ પર ભાર મૂક્યો
- Advertisement -
મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડમાં આજે 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂક્યો. રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા “એક બેડ મા કે નામ” અભિયાનને દેશ અને વિદેશમાં સારો પ્રતિસાદ મળ્યો છે. હવે તેનો બીજો તબક્કો “એક બેડ મા કે નામ 2.0” શરૂ થયો છે. તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવતા કહ્યું કે, દરેક વ્યક્તિની અંત્યેષ્ઠિમાં લાકડાની જરૂર પડે છે, તેથી વૃક્ષારોપણ કરવું અત્યંત આવશ્યક છે. તેમણે રામાયણનો દાખલો આપતા લોકોને ઘરમાં તુલસીનો છોડ ઉછેરવા અને વધુ વૃક્ષો વાવવા અપીલ કરી. સાંસદે કોરોના કાળનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે સમયે ઓક્સિજન અને વૃક્ષોની ખરી મહત્તા સમજાઈ હતી, છતાં લોકો હજુ વૃક્ષારોપણને પૂરતું મહત્વ આપતા નથી. આ અભિયાન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ પ્રસંગે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, કલેક્ટર કે.બી. ઝવેરી અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.