વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા સરકારી ગૌચર જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રએ બુલડોઝર ફેરવીને કરોડો રૂપિયાની કિંમતની ગૌચર જમીનો ખુલ્લી કરાવી છે. ટીંબી ગામે ગૌચરની જમીન પર થયેલા દબાણો હટાવવા માટે મામલતદાર, વહીવટી તંત્રની ટીમ, એ.એસ.પી. વલય વૈધ, પીએસઆઇ ચાવડા સહિત મોટી સંખ્યામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડિમોલેશનની કામગીરી જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ટીંબી ગામના આગેવાન ઘનશ્યામભાઈ ભાલાળાની રજૂઆત બાદ તંત્ર દ્વારા આ ગૌચર દબાણો હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા કુલ 900 વીઘા જેટલી ગૌચર જમીન પરના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સરકારી જમીનો પરના દબાણો હટાવવાની સરકારની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે. ગૌચર જમીન ખુલ્લી થતા પશુપાલકોને પણ તેનો લાભ મળશે.