1987માં બનેલો પુલ ખખડધજ થતા સંપૂર્ણ મરામત કરવા સરકારે રૂ.2 કરોડ 36 લાખની ગ્રાન્ટ ફાળવી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.28
ગીરના પાટનગર તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદી ઉપર બંધાયેલ પુલની આયુષ્ય પૂરી થતાં પુલ ખખડી ગયો હોય પુલની આયુષ્ય અને તાકાતમાં વધારો કરવા રૂ.બે કરોડ 36 લાખના ખર્ચ સાથે કોન્ટ્રાક્ટ આપ્યો..પરંતુ મુદત પૂર્ણ થવા છતાં કામગીરી શરૂ કરવા કોન્ટ્રાક્ટરે આળસ રાખવા છતાં પણ પ્રશાસન મૌન રહેતા બાંધકામ ખાતાના બાબુઓ સામે પ્રજામાં લોક રોષ ફેલાયો છે.
- Advertisement -
આ અંગેની વિગત એવી છે કે તાલાલાની હીરણ નદી ઉપર માત્ર રૂ.20 લાખના ખર્ચે 1987 માં પુલ બંધાયો હતો.પુલને 38 વર્ષ થઈ ગયા હોય પુલ જર્જરીત થઈ ગયો હોય ગમે ત્યારે તૂટે તેવી સ્થિતિ હોય પુલની આયુષ્ય અને તાકાતમાં વધારો કરવા સરકારે રૂ.બે કરોડ 36 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.બાંધકામ વિભાગના અધિકારીઓ પુલની મરામત કામગીરી કરવા એક વર્ષથી વધુ સમય પહેલાં કોન્ટ્રાક્ટ આપ્યો..પરંતુ મરામત કામગીરી કરવાની મુદત પૂર્ણ થવા છતાં કોન્ટ્રાક્ટરે કામગીરી પૂર્ણ કરી નથી છતાં પણ અધિકારીઓ,પ્રજાના પ્રતિનિધિઓ આંખે પાટા બાંધી મૌન થઈ ગયા હોય પ્રજામાં ભારે રોષ ફેલાયેલ છે.
હિરણ નદી ઉપરના પુલ સ્ટેટ હાઇવે ઉપર આવેલ છે.પુલની આયુષ્ય પૂર્ણ થઈ ગઈ છે.પુલ ઉપરથી અત્યારે હેવી લોડના કાળા પથ્થર ભરી કદાવર ડમ્પરો પસાર થાય છે.જયારે ડમ્પર પસાર થાય ત્યારે આખો પુલ ધ્રુજી જાય છે.આ સમયે પુલ ઉપરથી પસાર થતા લોકો પણ ભયભીત થઈ જાય છે.અધિકારીઓ તથા પદાધિકારીઓ આ બધું જાણે છે છતાં પણ પુલની મરામતની કામગીરી શરૂ કરાવવા પ્રશાસન આંખ આડા કાન કરતું હોય તેવી લોક ચર્ચા સાથે બાંધકામ વિભાગના બાબુઓની નિષ્ઠા સામે લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે.હિરણ નદીના જર્જરિત પુલની મરામત કામગીરી શા માટે થતી નથી..??શા માટે પ્રશાસન કોન્ટ્રાક્ટરને છાવરે છે..??તાલાલા શહેરમાં આવી અવનવી છડેચોક લોક ચર્ચા થતી હોય સરકાર તુરંત તપાસ કરી તાલાલા વિસ્તારની લોક સુખાકારી માટેની કામગીરી શરૂ કરાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.
હિરણ નદીનો પુલ 10 ગામની પ્રજા માટે આશીર્વાદરૂપ
હિરણ નદીનો પુલ તાલાલા સાથે માળિયા,મેંદરડા તાલુકાના જોડતા સ્ટેટ હાઇવેના માર્ગ ઉપર આવેલ છે.આ ઉપરાંત તાલાલા પંથકના સામે કાંઠે આવેલ રમળેચી ગીર,જેપુર ગીર,ધણેજ,ચિત્રાવડ,હરીપુર,હિરણવેલ,ભાલછેલ વિગેરે દસ ગામની પ્રજા માટે આશીર્વાદરૂપ છે.બે તાલુકાને જોડતા આ પુલ ઉપર 24 કલાક અવિરત ટ્રાફિક રહે છે.પુલની આયુષ્ય પૂર્ણ થઈ ગઈ હોય પુલ આખો ધ્રૂજે છે જેથી લોકો ભયભીત છે.આ પુલની તાકીદે મરામત કરી પુલની આયુષ્ય અને તાકાત માં તુરંત વધારો કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે.સરકાર વિના વિલંબે તપાસ કરાવે તેવી પ્રબળ લોક માંગણી ઊઠી છે.