વર્ષો જૂની સ્કૂલો રિપેર કરવાની જરૂર, શિક્ષકો-ઓરડાઓની અછત: ભુપેન્દ્ર પટેલ
આપણે શિક્ષણ ક્ષેત્રે ઘણું બધું કર્યું છે, જેના લીધે શિક્ષણનું સ્તર પણ સુધર્યું છે: રાઘવજી પટેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
- Advertisement -
રાજ્યમાં ગયા અઠવાડિયે 32 હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસનો 21મો પ્રવેશોત્સવ યોજાયો, તે સંદર્ભે મંત્રીઓ, આઇએએસ-આઇપીએસ-આઇએફએસ અધિકારીઓના અનુભવો જાણવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી, જેનો સૂર એ રહ્યો હતો કે, 20 વર્ષમાં સરકારી શિક્ષણ ક્ષેત્રે સરકારે ઘણું કર્યું છે.
તેમ છતાં હજી ઘણું કરવાનું બાકી છે, ખૂટતાં શિક્ષકો, ખૂટતાં ઓરડા સહિત ઇન્ફ્રાસ્ટક્ચર્સ ક્ષેત્રે હજી ઘણું કામ બાકી છે. ખુદ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિ જેઓ વ્યવસાયે શિક્ષક છે, તેમણે સરકારી સ્કૂલોની અવદશાની ફરિયાદ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાપી જિલ્લાની સોનગઢ તાલુકાની સરકારી શાળાઓમાં ગયેલા આ મંત્રીએ જણાવ્યું હતું કે, હું જે શાળાઓની મુલાકાતે ગયો હતો તે બધી પતરાના છાપરાવાળી હતી, કૃષિવિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતેું કે, આપણે શિક્ષણ ક્ષેત્રે ઘણું બધું કર્યું છે, જેના લીધે શિક્ષણનું સ્તર પણ સુધર્યું છે, આમ છતાં આ ક્ષેત્રે જેટલું કરીએ તેટલું ઓછું છે, આપણે આપણી સરકારી સ્કૂલો, ખાનગી સ્કૂલો સાથે હરીફાઈ કરી શકે એવી બનાવવાની જરૂર છે. જો કે અડધો ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓએ તેમના મંતવ્યો બેઠકમાં રજૂ કર્યા હતા. એક મહિલા આઇએએસએ એવું જણાવ્યું હતું કે, જો ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં સાયન્સ સ્ટ્રીમમાં જતાં કરવા હોય તો પ્રાથમિક શાળા કક્ષાએથી જ બાળકોની રુચિ વિજ્ઞાન-ગણિતમાં વધે તે દિશામાં પગલાં લેવાવા જોઈએ. એનસીઈઆરટીના લેટેસ્ટ રિપોર્ટ મુજબ રાજ્યના માત્ર 20 ટકા વિદ્યાર્થીઓ જ સાયન્સ પ્રવાહમાં જાય છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોના 60-70 ટકા વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં જાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યું હતું કે, આ વખતે પહેલીવાર સરકારે પ્રવેશોત્સવ દરમિયાન નવમા ધોરણમાં પ્રવેશની સંખ્યા વધે તે માટે ખાસ ધ્યાન આપ્યું છે, જેને કારણે આપણે માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટ ઘટાડી શકીશું. જ્યારે શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે પ્રવેશોત્સવ 2024ની સફળતા વર્ણવતું પ્રેઝન્ટેશન બેઠકમાં રજૂ કર્યું હતું.