15 વર્ષની મહેનત સફળ: રૂ.5 કરોડના ખર્ચે તળાવ ભરાશે અને ફરતે બોટિંગ, ગેમ ઝોન, ગાર્ડન જેવી સુવિધાઓ સાથે વિકાસ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
- Advertisement -
ધ્રાંગધ્રાના આગેવાનો અને નગરજનોની છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલી ઐતિહાસિક માનસાગર તળાવ ભરવાની માંગણી આખરે સફળ થઈ છે. રાજ્ય સરકારે આ માનસાગર તળાવ ભરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, જે ધ્રાંગધ્રા માટે એક મોટી ભેટ સમાન છે.
આ તળાવ ભરવા માટે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચીફ ઓફિસર મોન્ટીલભાઈ પટેલ સહિત પૂર્વ અને વર્તમાન પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવતા હતા. લાંબા સમયની મહેનત બાદ હવે આ આગેવાનોની મહેનત રંગ લાવી છે.
નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, ₹5 કરોડના ખર્ચે આ માનસાગર તળાવ ભરવામાં આવશે અને તેની ફરતે ડેવલોપિંગ કરાશે. માનસાગર તળાવ ભરવાથી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે અને હરિયાળી વધશે.
તળાવના કાંઠા વિસ્તારને વિકસાવીને નગરપાલિકા દ્વારા અહીં બોટિંગની સુવિધા, પિકનિક પોઈન્ટ, બાળકો માટે ગેમ ઝોન અને હોટલ-રેસ્ટોરન્ટ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે, જેથી લોકો અહીં હરીફરી શકે અને મજા માણી શકે.



