- રૂા. 500થી માંડી 6000 ચણીયા ચોળીનું ભાડું : કચ્છી વર્ક, મિરર વર્ક, ગામઠી ચણીયા ચોળી ડિમાન્ડમાં
રાજ્ય સરકારે શેરી ગરબા માટે મંજૂરી આપતાં ખેલૈયાઓ સાથે ચણીયા ચોળી વિક્રેતાઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ચણીયા ચોળી અને જ્વેલરી લેવા બજારોમાં પડાપડી થઈ રહી છે. ગ્રાહકો પણ અવનવી માંગ કરતાં હોવાનું ચણીયા ચોળીના વિક્રેતાઓ જણાવી રહ્યા છે. આ વખતે નવરાત્રિમાં નવો ટ્રેન્ડ લોકોએ અપનાવ્યો છે.
આ વર્ષે બજારમાં કચ્છી ચણીયા ચોળીની ડિમાન્ડ વધુ છે. કચ્છી ભરત વર્ક સાથે કચ્છી અજરખબાટી તથા બાંધણીના વસ્ત્રોની ખરીદી માટે અત્યારથી જ ગ્રાહકો ખરીદી સાથે ઓર્ડર કરી રહ્યા છે. નવરાત્રિ પહેલાં જ નિતનવી ડિઝાઈનની ચણીયા ચોળી માટેના પેકેજ મુજબ બુકીંગ શરૂ થઈ ગયા છે. જેમાં પ્રિન્ટેડ ચણીયા ચોળી, બાંધણી, બાટીક, અજરખ પ્રિન્ટ, મશરૂ, મિરર વર્ક, આહિર વર્ક ચણીયા ચોળીની ભારે માંગ જોવા મળી રહી છે. કોરોનાના કારણે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવવા પડ્યા હતા ત્યારે હવે બે વર્ષ બાદ ગુજરાતીઓની સૌથી પ્રિય એવી નવરાત્રિ રંગેચંગે ઉજવાતી હોવાથી વેપારીઓ સહિત ગુજરાતીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આનંદ ઉત્સાહ, ઉમંગનો આ તહેવાર આવનારા સમયમાં ચોક્કસથી ગુજરાતીઓ માટે મા અંબાના આશીર્વાદ સમાન બની રહેશે. ખેલૈયાઓએ અત્યારથી જ પોતાના મનપસંદના ચણીયા ચોળી અને એસેસરીઝની ખરીદી શરૂ કરી દીધી છે.
- Advertisement -
રાજકોટમાં જુદી-જુદી જગ્યા પર ચણીયા ચોળી ભાડેથી મળી રહી છે. ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, કેવડાવાડી, અમીન માર્ગ, કિસાનપરા ચોક સહિત અનેક વિસ્તારોમાં ચણીયા ચોળી ભાડે તેમજ વહેંચાતી મળી રહી છે. નિતનવી ડિઝાઈન સાથે ખેલૈયાઓમાં રમવા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કચ્છી વર્ક, મિરર વર્ક, ગોટાપટ્ટી બાંધણી, સીમ્પલ, ધોતી, પતિયાલા, ગામઠી કેડિયા, ઝભ્ભા સહિતની વિવિધ વેરાયટીઓ દુકાનોમાં ઉપલબ્ધ છે. ચણીયા ચોળી માટે 15 દિવસ પહેલાંથી જ બુકીંગ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં કપલ ડ્રેસ, વેલ ડ્રેસ, નાના બાળકો માટેના લાઈટીંગવાળા ડ્રેસ બજારોમાં આકર્ષણ જમાવી રહ્યા છે. નાના બાળકોના રૂા. 250થી માંડી રૂા. 1000 સુધીના તેમજ યંગસ્ટરો માટે રૂા. 500થી 10000 સુધીના વેચાતા ચણીયા ચોળી દુકાનોમાં મળી રહ્યા છે. આ વર્ષે માત્ર ખેલૈયાઓ જ નહીં પણ ચણીયા ચોળીના વિક્રેતાઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.
એન્કલ લેન્થમાં બોર્ડરવાળી અને કચ્છી ચણીયા ચોળીનો ટ્રેન્ડ
કેવડાવાડી શેરી નં. 3માં આવેલી દયા ક્રિએશન કે જેઓ છેલ્લાં બાર વર્ષથી ચણીયા ચોળી ભાડે આપવા ઉપરાંત સેલિંગ પણ કરે છે તેવું દયા ક્રિએશનના બિંદિયા પારેખ અને પલ્લવી પારેખે ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં એન્કલ લેન્થમાં બોર્ડરવાળી અને કચ્છી ચણીયા ચોળીની ડિમાન્ડ વધુ છે. 25થી વધુ ચણીયા ચોળીના 15 દિવસ માટેના બુકીંગ પણ થઈ ગયા છે અને હજુ પણ વધુ બુકીંગ માટેની ઈન્કવાયરી ચાલી રહી છે. એક દિવસનું ભાડુ રૂા. 250થી 600 સુધી તથા નવ દિવસના પેકેજનું ભાડું રૂા. 1000થી 4000 સુધીનું જેમાં ઓર્નામેન્ટસ પણ આપવામાં આવે છે તથા છોકરાઓના પેકેજનું ભાડું રૂા. 2000થી 2500 સુધીનું છે. જેમાં ઝભ્ભો, પતિયાલા અને કોટીનો સમાવેશ થાય છે. નાના છોકરી છોકરાઓ માટે લાઈટીંગવાળી ચણીયા ચોળીના રૂા. 1500 તેમજ વેલ ડ્રેસ માટે એક દિવસનું ભાડું રૂા. 600થી 800 સુધીનું છે તેવું અંતમાં જણાવ્યું હતું.
- Advertisement -
ચોવીસ કલાકનું ભાડુ રૂા. 500થી 1000 સુધીનું: અઠવાડિયા પહેલાં બુકીંગ થઈ ગયુ
છેલ્લાં પાંચ વર્ષથી ચણીયા ચોળીનો વેપાર કરતાં શ્રી રાધે ચણીયા ચોળીના કાજલ લગધીર જણાવે છે કે આ વષ વેપાર સારો થવાની શક્યતા છે. ડિમાન્ડ સારી છે. જેમાં ચણીયા ચોળીનું ચોવીસ કલાકનું ભાડું રૂા. 500થી 1000 સુધીનું છે. જેમાં યુનિક, ધોતી ટાઈપ, કચ્છી વર્ક, ટ્રેડીશનલની ભારે ડિમાન્ડ છે.
નવરાત્રિ માટે ક્રેઝમાં હોય તેવી જ્વેલરી
નવરાત્રિમાં ચણીયા ચોળીની સાથે જ્વેલરી પણ ખૂબ સારી પહેરવામાં આવે છે. આમ તો ચણીયા ચોળીના પેકેજમાં જ્વેલરી પણ સાથે આપવામાં આવતી હોય છે તથા ફ્કત જ્વેલરી માટેના પણ નાના પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે. જ્વેલરીમાં વિવિધ લોટસ સ્ટાઈલ, સ્ટાઈલિશ ચેઈન, સિલ્વર જ્વેલરી, સ્ટાઈલિશ ચોકર, બોહો જુઓ, અફઘાન મિરર જ્વેલરી, હળવા વજન ચોકર, ફ્લાવર ચોકર, હસલી નેકલેસ, લાંબી સાંકળ પેન્ડન્ટ, સ્ટોન અને બીડસ હેવી નેક પીસ, ગ્લેમ ચોકર, રેડ ગ્લાસ ચોકર, અફઘાની ચોકર, સ્ટાઈલિશ માંગ ટીક્કા, હેવી સ્ટોન નેકલેસ સહિતની વિવિધ ડિઝાઈનની જ્વેલરી બજારોમાં ઉપલબ્ધ છે.
16 મીટરના ચણીયા ચોળીનો ક્રેઝ: કપલ ડ્રેસનું એક દિવસનું ભાડુ રૂા. 500થી 2000
કિસાનપરા ચોક પાસે આવેલ નવરંગ ચણીયા ચોળી કે જેઓ છેલ્લાં 20 વર્ષથી ચણીયા ચોળીનો બિઝનેશ કરી રહ્યા છે તેવા ભાવીનભાઈ કક્કડએ જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે ત્યારે ચણીયા ચોળી ભાડે લેવા માટે પડાપડી થઈ રહી છે. છેલ્લાં પંદર દિવસથી બુકીંગ શરૂ થઈ ગયું છે. જેમાં એક દિવસનું ભાડું રૂા. 300થી 1000, આઠ દિવસનું ભાડુ 2400થી 6000 અને છેલ્લાં એટલે કે નવમા એક દિવસે સ્પેશ્યલ ડ્રેસ હોય છે જેમાં ટોટલ 13 આઈટમ આવે છે તેનું ભાડું રૂા. 700થી રૂા. 400 સુધીનું છે. કપલ ડ્રેસનું એક દિવસનું ભાડું રૂા. 500થી 2000ના ભાવે ચણીયા ચોળી ખેલૈયાઓ લઈ જાય છે.
પરંપરાગત નવરાત્રિના કપડાં અને ઘરેણાંના ભાવમાં વધારો છતાં ખરીદીનો ધમધમાટ
નવલા નવરાત્રિ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં નવરાત્રિ પર્વ માટે ખાસ કપડાં અને ઘરેણાંની ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવરાત્રિના પોષાક અને ઝવેરાતના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં આજે પણ તેની લોકપ્રિયતા અકબંધ છે.