ભુવાની મોડસ ઓપરેન્ડી: મહિલા શોષણ અને પૈસા પડાવવા
પીડિત પરિવારની આપવિતી: સુખી સંસારમાં ભુવાએ લગાડી આગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત
સુરતના ખોલવડ વિસ્તારમાં “ઓપેરા પ્રિન્સ” સોસાયટીમાં માતાજીનો મઢ બનાવીને છેલ્લા સાત વર્ષથી ધતિંગલીલા આચરતા ભુવા ગોપાલદાદા ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસડનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કામરેજ પોલીસની મદદથી પર્દાફાશ કર્યો છે. આ 1272મો સફળ પર્દાફાશ હતો. બહાર આવ્યું છે કે ઉમેશ ઉસડ મહિલા સંસ્થા કે છાત્રાલયના નામે દુ:ખી અને મજબૂર મહિલાઓનું શોષણ કરતો હતો, જેના કારણે ભારે ખળભળાટ મચી ગયો છે. માણાવદર તાલુકાના નાનડીયા ગામના વિપુલ ઉર્ફે વ્રજલાલ ગોવિંદ જસાણીએ રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલયે આવીને પોતાની આપવીતી વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે તેમની પત્ની પૂનમ, જેમના લગ્ન 08-02-2011 ના રોજ થયા હતા અને તેમને બે દીકરીઓ છે, તેમને સુરતના ભુવા ગોપાલદાદાએ ભ્રમિત કર્યા હતા. આ ભ્રમણાને કારણે પૂનમે વડીલો સાથે તોછડું વર્તન કરવાનું શરૂ કર્યું અને છેલ્લા સવા બે મહિનાથી તેઓ બે દીકરીઓ સાથે સુરતમાં ભુવાના ઘરની નીચે ભાડેથી રહેવા લાગ્યા છે. વિપુલભાઈએ દાવો કર્યો કે પૂનમનો તમામ ખર્ચ ભુવો ઉપાડે છે અને ભુવાના પ્રભાવ હેઠળ પૂનમ પતિ, માતા-પિતા અને ભાઈનું માનતી નથી. છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે અને સુખી સંસારમાં ભુવાએ આગ લગાડી છે.
તપાસમાં બહાર આવ્યું કે ભુવો ઉમેશ ઉસડ “મહિલા છાત્રાલયમાં આશ્રય આપ્યો છે” તેવી ખોટી હકીકત આપતો હતો. તે માથામાં સાંકળ મારી ધૂણતો હતો અને મંત્ર-તંત્ર, સ્મશાનની વિધિ, લીંબુ-મરચાં જેવી વિધિઓ માટે રૂપિયા બે હજારથી પચાસ હજાર સુધીની ફી વસૂલતો હતો.
“ભૂતડાદાદા ગમે ત્યારે મોતને ઘાટે ઉતારે છે” તેવી વાતો ફેલાવીને તે લોકોમાં ભય અને ડર પેદા કરતો હતો. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ ભુવાની ગતિવિધિઓની ખરાઈ કરવા માટે મહિલા કાર્યકરો ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર અને રવિ પરબતાણીને સુરત મોકલ્યા હતા. ભુવાના ધૂણવાના વીડિયો અને ભોગ બનેલા લોકોની આપવીતી મળતા હકીકત સાચી નીકળી હતી અને પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું. જાથાએ મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ ગૃહ, પોલીસ મહાનિર્દેશક અને સુરત ગ્રામ્ય એસ.પી.ને પત્ર પાઠવીને બંદોબસ્તની માંગણી કરી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાએ કામરેજ પોલીસ સ્ટેશનને જરૂરી સૂચનાઓ આપી હતી. પો.ઈન્સ. એ.ડી. ચાવડાની દેખરેખ હેઠળ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ હરજીભાઈ, એ.એસ.આઈ. મોહિનીબેન રમણીકભાઈ, કોન્સ્ટેબલ પરબતભાઈ અભુભાઈ, ઘનશ્યામભાઈ અરવિંદભાઈ, અને એ.એસ.આઈ. બ્રિજેશભાઈ નરેશભાઈને જીપ્સી વાન સાથે જાથાને ફાળવવામાં આવ્યા હતા. જ્યારે જાથાની ટીમ અને પોલીસ કાફલો ભુવાના ફ્લેટ સંકુલ “ઓપેરા પ્રિન્સ” પહોંચ્યો, ત્યારે સ્થાનિક રહીશો પણ ભેગા થયા અને જાથાને સહયોગ આપ્યો. પોલીસ અને જાથાના સભ્યોએ પૂનમબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કાયદાકીય પરિણામો વિશે જણાવ્યું. આખરે, પૂનમબેન રડી પડ્યા.
- Advertisement -
પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવતા ભુવો ગોપાલદાદા ભાંગી પડ્યો હતો. તેણે પોતાની ભૂલ સ્વીકારી કબૂલાત કરી અને માફી માંગવાની તૈયારી બતાવી હતી. ઉમેશ કેશુભાઈ ઉસડ (ઉ.વ. 33), જે લોન આપવાનો ધંધો કરે છે અને 6 થી 7 વર્ષથી ખોડિયાર માતાનો ભુવો હોવાનો દાવો કરતો હતો, તેણે લેખિત કબૂલાત આપી કે તે આજથી લોકોના દુ:ખ, દર્દ જોવાનું, દાણા નાખવાનું, અને પાટ નાખવાનું કામ બંધ કરે છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેની પાસે કોઈ મહિલા સંસ્થા નથી અને લોકોની માફી માંગીને ધતિંગલીલા કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી.