19 જૂને ગુજરાત વિધાનસભાની 2 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં કડી વિધાનસભા બેઠક અને વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઇ હતા. જેમાં વિસાવદર બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ હતી. આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. સાવરે 11 વાગ્યે સમર્થકોની હાજરીમાં તેમણે શપથ લીધા હતા.
શપથ લીધા બાદ ગોપલ ઇટાલિયાએ કહ્યું કે, ગુજરાતના રાજકારણમાં આ ઐતિહાસિક દિવસ છે. આ ગુજરાતના રાજકારણ અને ગુજરાતના ઇતિહાસ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે આ ક્ષણે કેશુભાઇ પટેલને પણ યાદ કર્યાં હતા.વધુમાં જણાવ્યું કે, એક તરફ વિશાળ સત્તા મને હરાવવા કામે લાગી હતી. બીજી બાજુ એક ખેડૂત પુત્ર વિજેતા થયો. આ સંવિધાનની તાકાત છે. આજે શપથ વિધિ એ માત્ર ધારાસભ્ય તરીકેના શપથ નહીં પરંતુ તાનાશાહી હટાવવાના શપથ લીધા છે. ખેડૂતોનું રાજ ગુજરાતમાં લાવવાના શપથ લીધા છે.
- Advertisement -
ગોપાલ ઇટાલિયાએ લોકોને વિનંતી કરી કે, ગુજરાતની પ્રજા પોતાનો આત્મા જગાડે. ક્યાંક પુલ તૂટીને તો ક્યાંક બોટ ઊંધી વળે અને લોકોના જીવ જાય છે. આટલી હદે સહન કરવાની કે લાચાર બનવાની જરૂર નથી. લડાઈ માટે તૈયાર થઈ જાવ. એક મોટું આંદોલન કરી સૌ સંઘર્ષમાં જોડાઈએ. પુલ તૂટતા સરકારે રાજીનામું દેવું જોઈએ. ગોપાલ ઇટાલિયાના રાજીનામાથી પુલ તૂટતા બંધ નહી થાય. પેપર ફૂટતા બંધ નહી થાય . જો આખી સરકાર રાજીનામું આપે તો જ આ સિલસિલો બંધ થશે.
આ કારણે ખાલી પડી હતી બેઠક
કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.