આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અનેક જટિલ પ્રક્રિયાઓને આસાન બનાવી રહી છે. આ પાછળ વિશ્વની ટોચની પાંચ કંપનીઓ ગૂગલ, મેટા, એમેઝોન, માઈક્રોસોફ્ટ અને ઓરેકલની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. બેંક ઓફ અમેરિકાના રિપોર્ટ અનુસાર, આ કંપનીઓએ એઆઈ રિસર્ચ માટે રેકોર્ડ બોન્ડ ઈશ્યુ કર્યા છે. 2030 સુધીમાં આ કંપનીઓ રેકોર્ડ રૂ.62.06 લાખ કરોડના બોન્ડ ઈશ્યુ કરી શકે છે. આ કંપનીઓના રૂ. 10.10 લાખ કરોડના બોન્ડમાંથી રૂ. 2.40 લાખ કરોડનો ઉપયોગ લોસ એન્જલસમાં રિચલેન્ડ પેરિશ ખાતે મેટાના નવા ડેટા સેન્ટરને બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૭ નવેમ્બરના રોજ એમેઝોને વધુ રૂ. 1.33 લાખ કરોડના બોન્ડ ઈશ્યુ કર્યા હોવાનું જાહેર કર્યું છે.
બેંક ઓફ અમેરિકાના રિપોર્ટ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં મેટા, ગૂગલ, એમેઝોન, ઓરેકલ અને માઈક્રોસોફ્ટે એવરેજ રૂ. 2.48 લાખ કરોડના બોન્ડ જારી કર્યા છે.ફોર્ચ્યુનના રિપોર્ટ મુજબ, આ પાંચેય કંપનીઓ પાસે રિસર્ચ સહિતના કાર્યો માટે કેશ જરૂરી પ્રમાણમાં છે ત્યારે, રિસર્ચ માટે બોન્ડ ઈશ્યુ કરવાના નિર્ણયથી તેમના શેર્સ પર કેવી અસર પડશે તે જોવાનું રહેશે. મેટાએ આગામી પાંચ વર્ષમાં એકલા અમેરિકામાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર્સ માટે રૂ.53.19 લાખ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 2025માં રૂ. 7.54 લાખ કરોડ ખર્ચ કરવાની છે. તેમણે તાજેતરમાં જ ભારતમાં એઆઈ ડેટા સેન્ટર બનાવવા માટે રૂ. 1.33 લાખ કરોડના ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી હતી. જ્યારે, માઈક્રોસોફ્ટ અને ઓરેકલે આ વર્ષે અને આવનારા પાંચ વર્ષ માટે પણ એઆઈ પાછળ અબજો ડોલર ખર્ચ કરવાની છે. એઆઈ પાછળના બુલિશ મતના કારણે આ કંપનીઓ ‘એઆઈ હાઈપરસ્કેલર’ બની છે.
- Advertisement -
બોન્ડ્સને એસેટ-બેક્ડ સિક્યોરિટીમાં ફેરવી રહ્યાં છે.
ટેક જાયન્ટ્ઝ આ બોન્ડ્સને એસેટ-બેક્ડ સિક્યોરિટીઝમાં ફેરવી રહ્યાં છે. જેમાં, આ વર્ષે ડેટા સેન્ટર-બેક્ડ સિક્યોરિટીઝમાં લગભગ રૂ. 1.18 લાખ કરોડ જારી કરવામાં આવ્યા છે. જે 2024 કરતા 55 ટકા વધુ છે.
બેઈન એન્ડ કંપનીના અંદાજ મુજબ, એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચને કારણે 2030 સુધીમાં વાર્ષિક 2 ટ્રિલિયન ડોલરની આવકની જરૂર પડશે. જે એમેઝોન, એપલ, આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ, મેટા અને એનવિડીયાની 2024ની સંયુક્ત આવક કરતા વધુ છે.




