બજારમાં આવી ઓટોમેટિક ફીરકી, એક ફીરકીનો ભાવ રૂા. 2000
સ્વીચ દબાવવાથી જ દોરી વીંટાઈ જશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે કારણ કે, પતંગના પેચ લડાવ્યા બાદ સૌથી મોટો કંટાળો ફીરકીને વીંટવામાં આવે છે જ્યારે હવે તેનો તોડ પણ મળી ગયો છે. બજારમાં ઓટોમેટિક ફીરકી બજારમાં આવી ગઈ છે. રાજકોટની સદર બજારમાં આવેલી સુપર સિઝન સ્ટોરમાં 2000ના ભાવે આ ફીરકી વેચાઈ રહી છે.
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વ પર લોકો પોતાના પરિવાર સાથે મકાનના ધાબે જઈને પતંગ ચગાવતા હોય છે અને કાપ્યો છે, લપેટ લપેટના નારા લગાવતા હોય છે. જોકે આ જ પર્વ દરમિયાન જ્યારે લોકો પતંગની દોરીને ઢીલ આપે છે અને જ્યારે પતંગ કપાય છે તે બાદ તેમને દોરી વીંટવાનું કહેવામાં આવે તો આળસ આવતી હોય છે. આ તકલીફ દૂર કરવા માટે બજારમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના સ્ટેન્ડ મળવાની પણ શરૂઆત થઈ છે. જોકે તેમ છતાં પણ તેમાં માનવ બળ લાગતું હોવાથી લોકોને હજુ પણ દોરી વિટવામાં કંટાળો આવે છે. ત્યારે આ જ કંટાળો દૂર કરવા અને લોકોને નવીનતમ વસ્તુ આપવા માટેના પ્રયાસના ભાગરૂપે બજારમાં ઓટોમેટીક ફીરકી મળવાની શરૂઆત થઈ ચૂકી છે. જે ફીરકીમાં એક સ્વીચ દબાવવાથી જ દોરી આપોઆપ વીંટાઈ જાય છે.
ત્રણ દિવસ બેટરી ચાલશે
ઓટોમેટિક ફીરકી મેડ ઇન ઇન્ડિયા છે. જે સ્વદેશી પ્રોડક્ટ હાલ બજારમાં પતંગ રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. કેમ કે તે ફીરકીમાં એક સ્વીચ દબાવતા દોરી વીંટાઈ જાય છે. જે ફીરકી 9 વોલ્ટની ત્રણ બેટરી પર ચાલે છે અને પૂરો દિવસ વાપરવા સાથે ત્રણ દિવસ તેની બેટરી ચાલે છે. આ ફીરકી 2500 વારની મળે છે.