“ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા” શરૂ થયો કાવ્ય સમારોહ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ગુજરાતી ભવન ખાતે જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે ઉમાશંકર જોશીની કવિતા વિષય પર કાવ્યમય કાર્યક્રમ યોજાયો હતો. પ્રો. વિશાલ આર. જોશીની પ્રેરણાથી યોજાયેલ કાર્યક્રમની શરૂઆત કવિની પ્રસિદ્ધ કવિતા “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા”ના પઠનથી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ડો. પારુલ ભંડેરીએ ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્ય પર પ્રકાશ પાડ્યો.
- Advertisement -
વિદ્યાર્થિની કૃષ્ણાબાએ કવિ વિષે સ્વરચિત રચના રજૂ કરી. અન્ય વિદ્યાર્થીઓએ પણ કવિતાઓનું ગાયન અને પઠન કરીને ઉમાશંકર જોશીની કૃતિઓને જીવંત બનાવી. કવિશ્રીના જેલવાસના પ્રસંગો, રાજ્યસભામાં તેમનું યોગદાન, તેમજ તેમના સાહિત્યમાં દેખાતી રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિક ઊંચાઈની ચર્ચા કરવામાં આવી. મારું જીવન એ જ મારી વાણી જેવી રચનાઓથી કવિના જીવન દર્શન અને સાહિત્ય પ્રવૃત્તિઓનો ઊંડો સાર પ્રગટ થયો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે દૂરવાણી દ્વારા ઉમાશંકર જોશીની રચનાઓમાં ગિરનાર, ઈડરીયો ગઢ અને ચોરવાડ જેવી ગુજરાતની ભૂમિપ્રેમસભર છબીનું વખાણ કર્યા અને જણાવ્યું કે આવી રચનાઓ યુવાનોને ગુજરાતી સાહિત્ય સાથે જોડે છે. અંતે ડો. કિશોર વાળાએ આભાર વિધિ કરતા ઉમાશંકર જોશી જેવી પ્રતિભાને યાદ કરીને વિદ્યાર્થીઓમાં સાહિત્યપ્રેમ જગાવા માટે આવા કાર્યક્રમોની મહત્તા જણાવી. કાર્યક્રમ ઉદ્દાત ભાવના અને સાહિત્યિક ભાવચિંતન સાથે યાદગાર બન્યો હતો.



