ખરીદાયેલા સોનાની કિંમત 5,15,390 કરોડ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રીપોર્ટ : 2023ની સરખામણીએ પાંચ ટકાની વૃધ્ધિ
- Advertisement -
ભારતમાં સોના પરની આયાત જકાતમાં ઘટાડો તથા ચિકકાર લગ્નગાળાને પગલે ડીમાંડમાં વૃધ્ધિ થઈ જ છે. 2024 ના વર્ષમાં દેશમાં 802.8 ટન સોનું વેંચાયુ હતું. જેમાં વાર્ષિક ધોરણે પાંચ ટકા વૃધ્ધિ હતી. જોકે ચાલુ વર્ષે 2025 માં સોનાની ડીમાંડ થોડી ઘટવાનું અને 700 થી 800 ટન રહેવાનું અનુમાન દર્શાવવામાં આવ્યુ છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ પ્રમાણે 2024 માં ભારતમાં સોનાની ડીમાંડ 802.8 ટન રહી હતી જે 2023 ની 761 ટન સામે પાંચ ટકા વધુ હતું મુલ્યની દ્રષ્ટિએ 2024 માં 5,15,390 કરોડનું સોનુ વેંચાયુ હતું. જે 2023 નાં 3,92,000 કરોડની સરખામણીએ 31 ટકા વધુ હતું., 2025માં ભારતમાં સોનાની ડીમાંડ 700 થી 800 ટનની વચ્ચે રહેવાનું અનુમાન છે. લગ્નગાળા પ્રસંગોની ખરીદી રહેશે પરંતુ તે માટે કિંમત સ્થિર થવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક વખતથી સોનાની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે.
ભારતમાં સોનાની ડિમાંડમાં પાંચ ટકાનો વધારો થયો હોવા છતાં વૈશ્વિકસ્તરે સ્થિર હતી. વૈશ્વિક ડીમાંડ 2024 માં 4974 હતી જે 2023 માં 4945.9 ટન રહી હતી. સોનાના ઉંચા ભાવ, આર્થિક સ્લોડાઉન તથા વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ડીમાંડ પ્રભાવિત થઈ હતી. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ભારતીયો પાસે 80 ટકા સોનું દાગીનાનાં સ્વરૂપમાં છે. 2023 માં સોનાની ડીમાંડ 445 ટન હતી. પરંતુ કોરોનાકાળ બાદ તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
- Advertisement -
રિઝર્વ બેંકની 4 ગણી વધુ ખરીદી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2024 માં કુલ 73 ટન સોનું ખરીદ કર્યું હતું જે 2023 નાં 16 ટનની સરખામણીએ ચાર ગણુ વધુ હતું. ભારતમાં સોનાની માંગમાં સરેરાશ પાંચ ટકાનો વધારો હોવા છતાં દાગીના-ઝવેરાતની ડિમાંડ બે ટકા ઘટીને 563.4 ટન હતું.
સવા મહિનામાં સોનું 8 ટકા મોંઘુ
સોનામાં કેટલાંક વખતથી તેજીનો જુવાળ છે. તેમાં પણ અમેરિકામાં ટ્રમ્પ સતારૂઢ થયા બાદ ભાવ બેફામ રીતે વધી રહ્યા છે. 2025 ના ચાલુ વર્ષને સવા મહિનો થયો છે. અને તે દરમ્યાન સોનાના ભાવમાં 8 ટકાથી પણ વધુનો વધારો થઈ ગયો છે. રાજકોટ ગુજરાતમાં 10 ગ્રામ સોનાનો હાજર ભાવ 87000 ની સપાટી વટાવી ગયો છે.