ગુજરાતમાં નવેમ્બર માસમાં 20.07 ટનની આયાત : ઉંચા ભાવ છતાં સારી ડીમાંડ રહ્યાનો નિર્દેશ
લગ્નની સિઝનના કારણે ગુજરાત સોનાનું હોટસ્પોટ બની ગયું છે. ગુજરાતમાં તાજેતરમાં સોનાએ સૌથી વધુ ભાવવધારો જોયો છે. નવેમ્બરમાં સોનાનો ભાવ રૂ.80000 પ્રતિ 10 ગ્રામ થઈ જતાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ખરીદદારો સોનાની ખરીદી ઓછી કરશે પણ તેનાં બદલે, તેઓ બમણાં થઈ ગયાં, જેનાં કારણે નવેમ્બરની સોનાની આયાત 394 ટકા વધી ગઈ હતી.
- Advertisement -
અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સના ડેટા અનુસાર, ગુજરાતમાં નવેમ્બરમાં 20.07 મેટ્રિક ટન સોનાની આયાત કરવામાં આવી હતી, જે ગયાં વર્ષનાં સમાન મહિનામાં માત્ર 4.06 મેટ્રિક ટન સોનાની આયાત કરતાં ઘણી વધારે છે. દિવાળી નવાં વર્ષનાં ઉત્સવો, લગ્નનાં શુભ મુહૂર્તોની હારમાળાએ, જ્વેલર્સ અને બુલિયન વેપારીઓને પહેલાં કરતાં વધુ વ્યસ્ત રાખ્યાં હતાં. ઑક્ટો-નવેમ્બરના સમયગાળામાં સોનાની આયાતમાં પાછલાં વર્ષની સરખામણીમાં 80 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જોકે આ વર્ષે ભાવ ખરીદદારોની કસોટી કરે છે. 30 ઑક્ટોબરે, સોનું થોડું નીચું ગયું તે પહેલાં તે 82 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. સોમવારે, અમદાવાદ બજારમાં સોનાનો ભાવ રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયો હતો.
આઇબીજેએના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે”સોનાની કિંમત અસ્થિર રહી હોવા છતાં, માંગ બે કારણોસર રોકાણ અને લગ્નની સીઝનને કારણે સારી રીતે રહી છે. રોકાણકારો માટે સોનાએ ઊંચું વળતર આપ્યું, જેનાં પરિણામે ઘણાં લોકોએ તેમનાં બુલિયન રોકાણો ચાલું રાખ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પરિવારમાં લગ્નો હોય તો સોનું ખરીદવું પડતું હોય છે. લગ્નોએ ખાસ કરીને સોનાની માંગને સારી રીતે ચલાવી હતી. જ્વેલર્સના મતે, અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં શહેરી ખરીદદારો કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન્સ પર ઊંચા ભાવ આપી રહ્યાં છે, જે વૈભવી અને વ્યક્તિગતતાની ઝંખનાને દર્શાવે છે તો બીજી તરફ, ગ્રામીણ ખરીદદારો ભાવ પ્રત્યે સંવેદનશીલ રહે છે અને પરંપરાગત સોનાનાં દાગીનાની માંગ કરે છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અક્ષ કંબોજે જણાવ્યું હતું કે “પરંપરાગત રીતે લગ્નો માટે સોનું પસંદ કરવામાં આવતું હોય છે જ્યારે યુવા ખરીદદારો આધુનિક દૃષ્ટિકોણ રાખે છે અને તેઓ હવે પ્લેટિનમ અને હીરાના દાગીના પસંદ કરતાં થયાં છે.
- Advertisement -
રસપ્રદ વાત એ છે કે, ઘણાં ખરીદદારો જૂની જ્વેલરીમાં વેપાર કરીને ભાવ વધારાને સરભર કરી રહ્યાં છે, પરંતુ લગ્નો માટે સોનાનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ વધારે છે.